- સુરત જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ મેન્ડેટ લઈને આવ્યા
- ભાજપે 36માંથી 32 બેઠકો પર મેળવી હતી જીત
- ચૂંટણી અધિકારી વી. એન. રબારીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
બારડોલી: ગત 28મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 9 વૉર્ડની 36 બેઠકો પૈકી 32 બેઠકો પર જીત પ્રાપ્ત કરીને ફરી એક વખત પાલિકા પર સત્તા મેળવી હતી. દરમિયાન મંગળવારના રોજ બારડોલી નગરપાલિકાના ચૂંટણી અધિકારી વી. એન. રબારી દ્વારા પ્રમુખ– ઉપપ્રમુખની વરણી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.
સભા પહેલા મેન્ડેટ ખોલી નામ જાહેર કરાયા
નિર્ધારિત સમય કરતાં અડધો કલાક વહેલી શરૂ થયેલી સામાન્ય સભામાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ કેતન પટેલ મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. સભા પૂર્વે તેમણે પ્રમુખ તરીકે ફાલ્ગુની દેસાઇ, ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી તરીકે નિતિન શાહ, શાસક પક્ષના નેતા તરીકે પરેશ પટેલ અને દંડક તરીકે જગદીશ પાટિલના નામની જાહેરાત કરી હતી.
અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વરણી
આ જાહેરાત બાદ ચૂંટણી અધિકારી વી. એન. રબારીની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. સામાન્ય મહિલા માટે અનામત પ્રમુખ પદ માટે ફાલ્ગુની દેસાઇના નામની દરખાસ્ત જેનીશ ભંડારીએ કરી હતી. તેમની સામે અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચૌહાણના નામની દરખાસ્ત હિતેશ પારેખે કરી હતી. તેમની સામે પણ કોઈ ઉમેદવારનું નામ નહીં આવતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જ્યારે અન્ય હોદ્દાઓની વરણી આગામી સામાન્ય સભામાં થશે. જોકે તે પહેલા પક્ષ દ્વારા કારોબારી, શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી.
સમય કરતાં વહેલી મિટિંગ શરૂ કરી દેતાં વિપક્ષના સભ્યો ન રહી શક્યા હાજર
બારડોલી નગરપાલિકામાં સામાન્ય સભા 12મી માર્ચના રોજ જાહેર કરાયેલી નોટિસમાં 16મી માર્ચના રોજ બપોરે ત્રણ વાગ્યે બોલાવવાનું નક્કી થયું હતું. બાદમાં સોમવારે આ સામાન્ય સભાનો સમય બદલી બપોરે 1 વાગ્યે જાહેર કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં એસડીએમ દ્વારા અચાનક કોઈ પણ જાતની જાણ કર્યા વગર બેઠક 12.30 વાગ્યે જ બોલાવી દેવામાં આવતા વિપક્ષમાં નારાજગી જોવા મળી હતી. સભામાં વિપક્ષના એક પણ સભ્ય સમય પર હાજર રહ્યો ન હતો. 1 વાગ્યે જ્યારે વિપક્ષના સભ્યો સભાખંડમાં આવ્યા ત્યારે મિટિંગ પૂર્ણ થયેલી જોઇ દંગ રહી ગયા હતા.
આ પણ વાંચો :ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી