ગુજરાત

gujarat

ETV Bharat / city

નેતાઓના 100 ગુના માફ, પરંતુ સુરતમાં લગ્નપ્રસંગે પોલીસે રૂપિયા 5 હજારનો દંડ વસૂલ્યો - ગુજરાત પાસ

સુરતના વરાછા વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં કોવિડની ગાઇડલાઈનના ભંગ બદલ મ્યુનિસિપલે કન્યાપક્ષ પાસેથી રૂ. 5 હજારનો દંડ વસૂલ કર્યો છે. આ પ્રસંગમાં 250 વ્યક્તિ હાજર હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. આ ઉપરાંત લોકો માટે સેનિટાઈઝરની પણ કોઈ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી ન હતી. એવું દંડ વસૂલનારા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

નેતાઓના 100 ગુના માફ, પરંતુ સુરતમાં લગ્નપ્રસંગે પોલીસે રૂ. 5 હજારનો દંડ વસૂલ્યો
નેતાઓના 100 ગુના માફ, પરંતુ સુરતમાં લગ્નપ્રસંગે પોલીસે રૂ. 5 હજારનો દંડ વસૂલ્યો

By

Published : Nov 26, 2020, 1:08 PM IST

  • સુરતમાં લગ્નપ્રસંગમાં 250 લોકો આવતા મ્યુનિ.એ દંડ ફટકાર્યો
  • સુરત મ્યુનિસિપલ તંત્રે કન્યાપક્ષ પાસેથી રૂ. 5 હજાર દંડ વસૂલ્યો
  • મ્યુનિ. ફટકારેલા દંડની પહોંચ સોશિયલ મીડિયામાં ધૂમ વાઈરલ થઈ
  • નેતાઓના બધા ગુના માફ અને લોકો દંડ ભરેઃ PAAS કન્વીનર અલ્પેશ

સુરતઃ સુરતમાં કોરોના સંક્રમણ વધવા સાથે મ્યુનિ. તંત્રએ હવે જાહેર પ્રસંગો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આજે વરાછા બી ઝોનના ગંગા જમુના સોસાયટીની વાડીમાં લગ્ન પ્રસંગ હતો. અહીં વરાછા ઝોનના આરોગ્ય વિભાગે તપાસ કરતા અહીં 100 લોકોની મંજૂરી છતા 250થી વધુ લોકો એકત્ર થયેલા હતા. અને મહેમાનોમાં સોશિયલ ડિસ્ટન્સ વગર ગીચોગીચ બેસાડાયા હતા. આરોગ્ય વિભાગે તાકીદ કરી હોવા છતા લગ્નપ્રસંગમાં લોકોને ઓછા કરાયા નહતા અને આ ઉપરાંત માસ્ક તેમ જ સેનિટાઇઝરનો પણ અહીં ઉપયોગ કરાયો નહતો.

રસીદમાં કન્યાનું નામ પણ લખવામાં આવ્યું હતું
આ ઉપરાંત પ્રસંગમાં કોરોના જાગૃતિ અંગેના બોર્ડ પણ લગાડાયા નહતા. આથી આરોગ્ય વિભાગે રાહુલ જીવાણી પાસે રૂ. 5 હજાર દંડ વસૂલ કર્યો હતો. પહોંચમાં કન્યાનું નામ પણ લખવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ સુરતનો આ પ્રથમ કિસ્સો છે. અને દંડની પહોંચ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.

સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ
લગ્ન પ્રસંગમાં ફટકારાયેલા દંડને લઈને સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, નેતાઓની રેલીમાં મનપા ક્યાં ગયું હતું તે પણ લોકો સવાલ ઊઠાવી રહ્યા છે.

દંડની રકમ પરત નહીં થાય તો અમે મળી પાલિકા માટે ભીખ માગી ફાળો ઉઘરાવીશું
દંડની પહોંચની પ્રતિક્રિયામાં ગુજરાત PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાએ કહ્યું, જો દંડની રકમ પરત નહીં થાય તો અમે મળી પાલિકા માટે ભીખ માગી ફાળો ઉઘરાવીશું. રાજકીય નેતાઓની રેલીમાં હજારો લોકો જોડાયા ત્યારે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર લોકો અને નેતાઓ પાસે ત્યારે તંત્રે કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી નથી. સમાજ અને નાના મઘ્યમવર્ગીય લોકોને કેમ હેરાન કરે છે.

ABOUT THE AUTHOR

...view details