- ફલાઇટનો પાયલોટ એરપોર્ટ પર ન હોવાના કારણે રાહુલ ગાંધી લાલઘૂમ થયાં
- પાયલોટને અંદાજો નહોતો કે કાર્યવાહી વહેલી પૂર્ણ થતાં રાહુલ ગાંધી વહેલાં પરત આવશે
- રાહુલ ગાંધીએ એરપોર્ટ પર અંદાજે એક કલાક રાહ જોવી પડી હતી
સુરત : રાહુલ ગાંધીના ( Rahul Gandhi ) વિમાનનો પાયલોટ સુરત ખાતે પોતાના સંબંધીને મળવા નીકળી ગયો હતો. જોકે આ બાબતે તેને અગાઉ જાણ કરી હતી પરંતુ તેને અંદાજો નહોતો કે કાર્યવાહી વહેલી પૂર્ણ થતા રાહુલ ગાંધી નિર્ધારિત સમયે કરતાં પહેલાં એરપોર્ટ પહોંચી જશે.
માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં હાજર હતાં રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ( Rahul Gandhi ) આજે 20 મિનિટ સુધી સુરત ચીફ કોર્ટમાં હતા, કોર્ટે તેમને બપોરે 3:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, પરંતુ તેમનું નિવેદન વહેલું પૂરું થઈ જવાને કારણે તેઓ 20 મિનિટ પછી કોર્ટથી એરપોર્ટ જવા માટે નીકળી ગયા હતાં. જ્યારે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે તેમના પ્લેનનો પાયલોટ તે સમયે એરપોર્ટ પર ન હતો. રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું કે તેઓ હજુ સુધી તેમના સંબંધીના સ્થળેથી એરપોર્ટ પરત આવ્યા નથી. જે બાદ રાહુલ ગાંધી લાલપીળા થઈ ગયાં. તરત જ પાયલોટને એરપોર્ટ પર બોલાવવામાં આવ્યો, જો કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો, પાયલટે અગાઉ જાણ કરી હતી કે તે તેના સંબંધીને મળવા જઈ રહ્યો છે. પરંતુ પાયલોટને ખ્યાલ નહોતો કે કોર્ટ કાર્યવાહી વહેલી પૂર્ણ થતાં રાહુલ ગાંધી જલદી એરપોર્ટ પર પહોંચશે.