સુરત : હિન્દુ સંસ્કૃતિમાં શીતળા સાતમના પર્વનું વર્ષોથી ઘણું મહત્વ ચાલી આવ્યું છે. કહેવાય છે કે શીતળા સાતમના પર્વની ઉજવણી કરવાથી પરિવારની સુખાકારી અને આરોગ્ય હંમેશા જળવાય રહે છે. જેને લઈ મહિલાઓ આ પર્વ નિમિત્તે શીતળા સાતમનું વ્રત પોતાના પરિવાર અને બાળકોના સ્વાસ્થ્ય માટે કરે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં શીતળા સાતમ નિમિતે વહેલી સવારથી મહિલાઓની લાંબી કતાર જોવા મળી હતી.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક સાથે લોકોએ શીતળા સાતમની ઉજવણી કરી - સૂરત
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તહેવારોની હાલ વણઝાર જોવા મળી રહી છે. જોકે કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી પણ લોકોમાં નીરસતા છે.દર વર્ષે શીતળા સાતમના પર્વ નિમિત્તે મંદિરોમાં માતા શીતળાનું પૂજનઅર્ચન કરવા માટે મોટી ભીડ જોવા મળતી હોય છે પરંતુ કોરોનાની મહામારીને લઇ આ વખતે મંદિરોમાં ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક સાથે લોકોએ શીતળા સાતમની ઉજવણી કરી હતી.
![સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક સાથે લોકોએ શીતળા સાતમની ઉજવણી કરી સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક સાથે લોકોએ શીતળા સાતમની ઉજવણી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8364206-thumbnail-3x2-shitla-satam-7200931.jpg)
દર વર્ષે આમ તો શીતળા સાતમ પર ભારે ઘસારો જોવા મળે છે પરંતુ આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે ભક્તોની હાજરી ઓછી જોવા મળી રહી છે. શીતળા સાતમ નિમિતે મહિલાઓએ આજ રોજ પરિવારની સુખાકારી અને બાળકોના સ્વાસ્થ્ય માટે માતા શીતળાની પૂજાઅર્ચના કરી હતી. બાળકોને થતાં ઓરી, અછબડાં જેવા રોગો સામે શીતળા સાતમના દિવસે પૂજાઅર્ચના અને વ્રત કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે, જે આશાએ મહિલાઓ આ વ્રત કરે છે. મંદિરમાં આજે મહિલાઓએ ફરજિયાત માસ્ક અને સોંશિયલ ડિસ્ટન્સિંગ સાથે પૂજાઅર્ચના કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.