- મા અમૃતમ કાર્ડ યોજનાના દર્દી પરેશાન
- દર્દી યોજનાનો લાભ લેવા માટે વલખા મારી રહ્યાં છે
- યોજના હેઠળ લાભ મેળવવાની મંજૂરી મળતી નથી
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નબળા લોકો માટે મા અમૃતમ કાર્ડ યોજના ( Maa Amrutam Card ) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના નેજા હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની દર્દી ગંભીર બીમારીની નિશુલ્ક સારવાર મેળવી શકે છે. પરંતુ મા કાર્ડ યોજના ઠપ થઈ જતાં દર્દી યોજનાનો લાભ લેવા માટે વલખા મારી રહ્યાં છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેનનગર ખાતે રહેતાં રમેશ પેંઢારકરને ચાર દિવસ પહેલા છાતીનો દુખાવો થયો હતો. યોજનાનો લાભ નહીં મળતા સારવાર લીધા વગર ઘરે પાછા જતાં રહ્યાં છે.
અપ્રુવલ ન મળતાં Maa Amrutam Card હોવા છતાં 40,000 હોસ્પિટલને ચૂક્વ્યાં
દર્દીના સગાં રાકેશ પેઢારકર જણાવ્યું હતું કે મારા પિતાજીને છાતીમાં દુખાવો થયો હતો. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે તમારી પાસે મા કાર્ડ હોય તો તમારો ઈલાજ ફ્રીમાં થઈ જશે. અમે મા અમૃતમ કાર્ડ ( Maa Amrutam Card ) બતાવતાં તેઓએ જણાવ્યું હતું કે તમારું કાર્ડ રીન્યુ કરવું પડશે. એ માટે ચોવીસ કલાક લાગશે. એપ્રુવલ મળતાં તમે હોસ્પિટલમાં દાખલ કરી દો. 24 કલાક બાદ તમારા કાર્ડને એપ્રુવલ મળી જશે ત્યાર બાદ ફ્રીમાં સારવાર થઇ જશે. પરંતુ કાર્ડને એપ્રુવલ ન મળતા અમારી પાસે હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં સારવારના 40,000 હજાર જેટલું બિલ માંગવામાં આવ્યું હતું અને બહારથી પૈસા લઈ ચૂક્વ્યાં હતાં. જ્યારે ઓપરેશનના 1,20000 રૂપિયા કીધા હતાં. અમારી પાસે પૈસા ન હોવાથી પિતાજીને સારવાર લીધા વગર ઘરે પરત લઇ આવ્યાં હતાં.
કાર્ડ મેળવવા માટે ખાધા ધક્કા
અમે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ એપ્રુવલ ( Maa Amrutam Card ) મેળવવા માટે હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યાં છે. પરંતુ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ સેન્ટર પરથી જણાવવામાં આવે છે કે થઈ જશે. વાર લાગશે. જ્યારે આજ રોજ અમે જિલ્લા પંચાયત કચેરી ખાતે મા અમૃતમ યોજનાના અધિકારી મિતલ મેડમને મળવા ગયા તેઓને પણ રજૂઆત કરી હતી. પરંતુ તેઓએ ચોક્કસ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેઓએ કીધું હતું કે થઈ જશે પણ વાર લાગશે. મારા પિતાજીની હાલત ખરાબ છે. અમે ગરીબ છીએ. અમે હોસ્પિટલનું બિલ ચૂકવી શકતાં નથી.