- સુરતનો પારસી સમાજ
- કોરોના માર્ગદર્શિકાના પાલન માટે છોડી પરંપરા
- દૂધમાં સાકરની જેમ ભળવાનું ઉદાહરણ હાલમાં પણ એટલું જ પ્રસ્તુત
સુરત: સુરતમાં કોરોના વિસ્ફોટ થતા અનેક લોકો મોતને ભેટ્યા છે જેમાંથી ઘણા પારસી સમાજના લોકો પણ છે. પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિ સંસ્કારનો રિવાજ નથી. તેઓ મૃતદેહોને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપતા નથી, પરંતુ એક ચોક્ક્સ જગ્યાએ કૂવો સ્થાપિત કરી તેમાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે.
લઘુમતી સમાજ માટે કોરોના વધુ જોખમી
સુરતમાં આશરે અઢીથી ત્રણ હજાર જેટલા પારસી સમુદાયના લોકો રહે છે. લઘુમતી સમાજ અગાઉથી જ ઓછી વસ્તીને લઇ ચિંતામાં હતો, તેમાં હવે કોરોના કાળમાં જે રીતે આ સમાજના લોકો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને મૃત્યુ પામી રહ્યા છે, તેનાથી તેમની ચિંતા વધી છે. અત્યાર સુધી આ સમાજના 50થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લોકો પરંપરાગત રિવાજોને બદલે કોરોના ગાઇડલાઇન્સ મુજબ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થયા છે. આ અંગે પારસી પંચાયતના સભ્ય યઝદી કરંજીયાએ જણાવ્યું હતું પારસી કમ્યુનિટીની સંખ્યા દેશમાં માત્ર 1 લાખ જેટલી છે જે રીતે સમાજના લોકો કોરોના પોઝિટિવ થઇ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે.