ઓરિસ્સાના શ્રમિકો વતન જવા પગપાળા જ અમદાવાદથી સુરત પહોંચ્યા - surat lockdown news
લોકડાઉનમાં ફસાયેલા અમદાવાદમાં રહેતા ઓરિસ્સાના 42 જેટલા શ્રમિકો વતન જવા માટે પગપાળા આશરે 350 કિલો મીટરનું અંતર કાપી સુરત પોહચ્યા છે. ત્યાંથી ઓરિસ્સા માટે ખાસ ટ્રેન વિનામૂલ્યે લઈ જઈ રહી હોવાનું માલુમ પડતા તેઓ આવ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જાણ થઈ કે ટ્રેન તો બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા શ્રમિકો માટે શહેરમાં રહેતા અને ગરીબોને નિઃસ્વાર્થભાવે સેવા આપી રહેલા ઓરિસ્સાના સામાજિક કાર્યકર ધાનેશ્વર જૈના આશીર્વાદ રૂપ બન્યા છે. તેઓને રહેવાથી લઈ ભોજન સુધીની સુવિધા પણ કરી આપી છે. તેમજ પોતાના ખર્ચે વતન મોકલવાની વ્યવસ્થા કરવાના પ્રયાસ પણ કરી રહયા છે.
સુરત: ઓરિસ્સાના શ્રમિકો ભૂખ્યા-તરસ્યા અમદાવાદથી 350 કિલો મીટરનું અંતર પગપાળા કાપી સુરત પહોંચ્યા છે. અમદાવાદથી 94 કિલો મીટર દૂર આવેલા ગામમાં આ શ્રમિકો કડીયા મજૂરીનું કામ કરતા હતા. પરંતુ લોકડાઉનના કારણે તેઓની રોજી-રોટી પણ બંધ થઈ ગઈ હતી. જ્યાં કામ કરતા હતા ત્યાંથી વતન જવા માટે એક-એક હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ તેઓને વતન જવા માટેની વ્યવસ્થા કરવા અન્ય એક વ્યક્તિને રૂપિયા આપ્યા હતા. પરંતુ તે વ્યક્તિએ શ્રમિકોની મજબૂરીનો લાભ ઉઠાવી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. જેથી શ્રમિકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ તેઓને જાણકારી મળી હતી કે,અમદાવાદથી ઓરિસ્સા માટેની ટ્રેન વિની મૂલ્યે લઈ જાય છે. જેથી તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ગયા. પરંતુ ત્યાં જઈ ખબર પડી કે ઓરિસ્સા જવા માટેની શ્રમિક ટ્રેન બંધ થઈ ગઈ છે. છતાં તેઓએ આશા હજુ છોડી નહોતી. આ શ્રમિકોને સુરતથી ઓરિસ્સા માટે ખાસ ટ્રેન જાય છે તેવી જાણ થઈ હતી. જેથી તેમના ખિસ્સામાં રુપિયા ન હોવા છતાં દઢ સંકલ્પ સાથે અમદાવાદથી પગપાળા 350 કિલો મીટર જેટલું અંતર કાપી સુરત પોહચ્યા હતા. જો કે અહીં પહોંચ્યા બાદ તેઓને જાણ થઈ કે, ઓરિસ્સા જતી શ્રમિક ટ્રેન હાલ અહિંથી પણ બંધ કરી દેવામાં આવી છે. જેથી આ તમામ શ્રમિકોની મુશ્કેલીઓમાં વધારો થયો. તે દરમિયાન આ શ્રમિકોની મુલાકાત શહેરના ઓરિસ્સાવાસી સામાજિક કાર્યકર ધાનેશ્વર જૈના સાથે થઈ. જ્યાં શ્રમિકોએ તેમની આપવીતી જણાવતા ધાનેશ્વર જૈનાએ સૌ પ્રથમ તેઓને રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી આપી. ત્યારે છેલ્લા બે દિવસથી શ્રમિકોને સામાજિક કાર્યકર દ્વારા બે સમયનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યુ છે. હાલ શ્રમિકો પોતાના વતન જવાની માંગ કરી રહ્યા છે.