સુરતઃ રેલવે વિભાગ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓરિસ્સાના મજૂરોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. આ તમામને ટ્રેન મારફતે મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી પોતાના વતન જઇ રહેલા શ્રમિકો ખુશ-ખશાલ જોવા મળ્યા હતા.
ટ્રેનને લીલીઝંડી આપવા સુરતના સાંસદો, ધારાસભ્યો તેમજ જિલ્લા કલેક્ટર, પોલીસ અને મનપા કમીશ્નર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
ઓરિસ્સાના શ્રમિકો જય જગન્નાથના ઉદઘોષ સાથે વિશેષ ટ્રેનમાં રવાના ટ્રેનમાં બેઠેલા શ્રમિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવ્યું હતું. 2400 જેટલા મુસાફરોને સમાવવાની કેપેસિટી વચ્ચે માત્ર 1200 જેટલા શ્રમિકોને સોસિયલ ડિસ્ટન્સ રાખી બેસાડવામાં આવ્યા હતા. આ સાથે શ્રમિકોને 710 રૂપિયાના ભાડામાં ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ કર્મીઓને પણ પીપીઇ કીટ આપવામાં આવી હતી. ETVBharat દ્વારા ટ્રેનમાં રવાના થઈ રહેલા શ્રમિકો જોડે વાતચીત કરવામાં આવી હતી. જેમાં શ્રમિકોએ પોતાના વતન જવા ખુબજ આતુર જોવા મળ્યા હતા. ટ્રેન રવાના થતાં શ્રમિકોએ જય જગન્નાથનો ઉદઘોષ કર્યો હતો.
સાંસદ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, પોતાના વતન જવાની સૌ કોઈને ખુશી હોય છે. હાલ 1200 જેટલા લોકો ઓરિસ્સા પોતાના વતન ટ્રેન મારફતે જવા રવાના થયા છે. આ ઉપરાંત જેમ-જેમ અન્ય રાજ્યોની સરકાર તરફથી સ્વીકૃતિ મળશે, તેમ અન્ય રાજ્યોના લોકોને પણ ટ્રેન દ્વારા વતન મોકલવામાં આવશે.