- સારવારથી લઇને પોસ્ટમોર્ટમ સુધીની કામગીરી કરી રહ્યા છે ડૉ. ચંદ્રા
- પોતાના કાર્યકાળ દરમિયાન 6900થી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે
- કોરોનામાં પણ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી
સુરત : તબીબોને ભગવાનનું બીજુ રૂપ ગણવામાં આવે છે. કોરોનાકાળમાં જે રીતે તબીબોએ 24 કલાક ફરજ બજાવી છે. તેના કારણે ડોક્ટરોને વિશ્વભરમાં વધુ માન સન્માન આપવામાં આવી રહ્યું છે. કોરોનાકાળમાં અચાનક મૃત્યુ પામનારા લોકોનું પોસ્ટમોર્ટમ કરવું એ કેટલું ચિંતાજનક હોઈ શકે એ ડોક્ટરો સિવાય બીજું કોણ જાણી શકે? આવી વિકટ પરિસ્થિતિમાં પણ સુરતના મહિલા ડોક્ટર નિશા ચંદ્રાએ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર અનેક પોસ્ટમોર્ટમ કર્યા છે. ડોક્ટર નિશા ચંદ્રા પોતાના કાર્યકાળ દરમિયાન 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરી ચૂક્યા છે.
ડૉ. ચંદ્રાએ તમામ વિચારોને પાછળ મૂકીને આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું
ડૉ. નિશા ચંદ્રાએ MBBS ઝારખંડના રાંચી શહેરમાંથી કર્યું છે. ત્યારબાદ પતિ સાથે ગુજરાત આવી ગયા હતા. તેઓ અહીં GPSCની પરીક્ષા પાસ કરીને Medical Officer બન્યા હતા. વર્ષ 2004થી તેઓ સતત સરકારી હોસ્પિટલમાં સેવા કરી રહ્યા છે. મોટાભાગના લોકો મહિલાઓને લોકો ખૂબ જ સંવેદનશીલ અને નાજુક સમજે છે, પરંતુ ડૉ. નિશા ચંદ્રાએ તમામ વિચારોને પાછળ મૂકીને લોકો માટે એક આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. કલાકો સુધી ફરજ બજાવનારા ડૉ. નિશા ચંદ્રા એક દિવસમાં 8થી 10 પોસ્ટમોર્ટમ કરી ચૂક્યા છે. આ સાથે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે છે.