- શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હોવાથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયા નહીં
- લોકડાઉન અને કોરોનાના કારણે ઉદ્યોગો પર ભારે અસર
- અનલોક એકની પ્રક્રિયા બાદ ધીમે-ધીમે પ્રોજેક્ટ શરૂ થયા
સુરત : કોરોના કાળમાં દરેક ઉદ્યોગોને માઠી અસર થઈ હતી. ખાસ કરીને રિયલ એસ્ટેટમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. એક તરફ લોકો આર્થિક મંદીના કારણે મકાન ખરીદી રહ્યા નથી. ત્યારે બીજી બાજુ જે પણ કામદાર હતા તે પોતાના વતન ચાલ્યા ગયા હતા. જેથી આ સેક્ટરમાં વર્ષ દરમિયાન ભારે મંદી જોવા મળી હતી. ક્રેડાઈ સુરત મુજબ વર્ષ 2020 દરમિયાન સુરતમાં એક પણ નવા ફ્લેટ કે દુકાનનું વેચાણ થયું નથી. રિયલ એસ્ટેટથી સંકળાયેલા લોકોને આશા છે કે વર્ષ 2021માં માર્કેટ ઉપર આવશે.
ક્રેડાઈ સુરતના જોઈન્ટ સેક્રેટરી દિપન દેસાઈએ જણાવ્યું હતું કે 2020માં એક પણ નવો દુકાન કે ફ્લેટ વેચાયો નથી. વર્ષ 2020 દરમિયાન રિયલ એસ્ટેટમાં ભારે મંદી જોવા મળીવર્ષ 2020 મોટાભાગના ઉદ્યોગો માટે ચિંતાજનક રહ્યુ હતુ. ખાસ કરીને સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં કોરોના કાળની અસર વધારે જોવા મળી હતી. સુરતમાં મોટાભાગના પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે. પરંતુ લોકડાઉન અને કોરોનાના કારણે ઉદ્યોગો પર ભારે અસર પડી હતી. આશરે ત્રણથી ચાર મહિના સુધી તમામ પ્રોજેક્ટ લોકડાઉનના કારણે બંધ રહ્યા હતા. અનલોક એકની પ્રક્રિયા બાદ ધીમે-ધીમે પ્રોજેક્ટ શરૂ થયા હતા પરંતુ શ્રમિકોની અછત વર્તાઈ હતી. મોટા ભાગના શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હોવાથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયા નહીં. ઉપરાંત સિમેન્ટના ભાવમાં વધારો થતાં પણ અસર જોવા મળી હતી. બીજી બાજુ લોકોના ધંધા રોજગારમાં કોરોના કાળમાં ભારે અસર જોવા મળી હતી. લોકો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સ્થિતિમાં ન હતા. જેથી વર્ષ 2020માં રિયલ એસ્ટેટમાં ભારે મંદી જોવા મળી હતી.
એક પણ નવી દુકાન કે ફ્લેટ વેચાયો નથી
ક્રેડાઈ સુરતના જોઈન્ટ સેક્રેટરી અને શહેરના જાણીતા બિલ્ડર દિપન દેસાઈએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ત્રણથી ચાર મહિના સુધી આ ઇન્ડસ્ટ્રી બંધ રહી હતી. એક પણ નવો દુકાન કે ફ્લેટ વેચાયો નથી. પરંતુ લોકડાઉન દરમિયાન લોકો જ્યારે મકાનમાં રહ્યા ત્યારે તેમને મકાનની કિંમત શું છે તેનો અહેસાસ થયો હતો. ખાસ કરીને સંયુક્ત પરિવારમાં રહેતા લોકને ખબર પડી કે મોટા મકાનો જીવનમાં કેટલા જરૂરી છે. જેથી અમે આશાવાદી છીએ કે વર્ષ 2021માં રિયલ એસ્ટેટમાં ફરી એક વખત ભારે ઉછાળો જોવા મળશે.