- કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પાર્ટીઓ પર પ્રહાર કરાયા
- 14 શહીદ યુવાનોના પરિવારોને નોકરી આપવાની બાબતમાં દગો કરાયો
- સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે
સુરતઃ કોંગ્રેસ પાર્ટી અને PAAS વચ્ચે પડેલા ભંગાણમાં નવું પ્રકરણ આવ્યું છે. જેમાં PAAS દ્વારા એક સત્ય પત્ર બહાર પાડી કોંગ્રેસ તેમજ ભાજપ એમ બન્ને પાર્ટીઓ પર પ્રહાર કરાયા છે. આ સત્યપત્રને તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સત્યપત્રમાં વર્ષ 2015માં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેવી રીતે PAAS આંદોલનના આધારે સત્તા મેળવાઈ તેમજ વર્ષ 2020માં તેમના દ્વારા કઈ રીતે પાટીદારો સાથે દગો કરાયો હોવાની બાબતોનું વર્ણન કરાયું છે. આ સાથે જ ભાજપ પાર્ટી દ્વારા પાટીદાર આંદોલન સમયે જે કેસો પરત ખેંચવાના થયેલા વાયદા તેમજ 14 શહીદ યુવાનોના પરિવારોને નોકરી આપવાની બાબતમાં દગો કરાયો છે, તેનો પણ ઉલ્લેખ કરાયો છે. બન્ને પાર્ટીઓ દ્વારા કરાયેલા વાયદા તેમજ તેનું પાલન ન કરાયા સહિતની દરેક વિગતોની પણ આવરી લેવામાં આવી છે. PAAS કાર્યકર્તાઓના મતે સત્યપત્રમાં રાજકારણથી ઉપર ઉઠીને સમાજ જાણી શકે એ માટે મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે.