- નેહા ડેપ્યુટી કલેક્ટરનો આઈકાર્ડ બનાવી લોકોને છેતરતી આવી
- સુરતના વેપારી પાસેથી રૂપિયા 32 લાખ પડાવ્યા
- વેપારીએ નેહા અને સચિવની ઓળખ આપનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
સુરત:શહેરના ડભોલી ચાર રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના દરેડ ગામના યોગેશભાઈ મનસુખભાઈ વિરાણી ટેક્સટાઇલ તેમજ જમીન લે-વેચના વેપાર સાથે સંકળાયેલા છે અને તેઓ છેલ્લા 6 વરસથી નવસારી અને સુરત જિલ્લામાં આવેલી ખેતીલાયક જમીનની લે-વેચ કરે છે. ગયા વર્ષ 2018ના ઓક્ટોબર માસમાં યોગેશભાઈ કામ અર્થે બારડોલી તેમના મિત્ર હલીમભાઈ અહમદ શેખને મળવા આવ્યા હતા. જ્યાં તેમની મુલાકાત મહેશ નામના વ્યક્તિ સાથે થઈ હતી. મહેશે પોતે જમીનને લગતું કામ કરતો હોવાનું જણાવતાં યોગેશે તેની જામનગર ખાતે આવેલી સર્વે નંબર-90 અને 95 વાળી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝૉનમાં ફેરવવા માટે જણાવ્યું હતું. આથી જમીનના ડૉક્યુમેન્ટ મોબાઇલમાં મોકલતા બે દિવસ બાદ મહેશે યોગેશભાઈને બારડોલીના બાબેન ગામે મળવા બોલાવ્યા હતા. જ્યાં મહેશે નેહા ધર્મેશ પટેલની ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી યોગેશ સાથે મુલાકાત કરાવી હતી અને હાલ વડોદરામાં પોસ્ટિંગ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના લાભની લાલચ આપી મહિલાઓના ડૉક્યુમેન્ટ્સની ઠગાઈ
એગ્રીકલ્ચર જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે 60 લાખ માગ્યા હતા
યોગેશે એગ્રીકલ્ચર જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે વાતચીત કરતાં નેહાએ આ અંતે રૂપિયા 60 લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ આપ્યો હતો અને અરજી જમા કરાવવા માટે પહેલાં 2 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી આગળની પ્રોસેસ ચાલુ કરી શકાય. ત્યારબાદ નેહા યોગેશને ગાંધીનગરમાં સચિવની મુલાકાત કરાવવા માટે લઈ ગઈ હતી. જ્યાં એક સચિવના બંગલા પર ગયા હતા અને ત્યાં એક સચિવ સાથે મુલાકાત કરાવી હતી, પરંતુ ડૉક્યુમેન્ટ ઘટતા હોય સચિવે બાકીના ડૉક્યુમેન્ટ નેહાબેનને પહોંચાડી દેજો. જેથી કામ શરૂ કરી દેવાશે એમ જણાવ્યું હતું. બાદમાં તેઓ હોટેલ પર જમવા ગયા હતા. જ્યાં તેમણે કમલેશ પરમાર નામના સચિવને બોલાવી તેની સાથે મુલાકાત કરાવી હતી.
કમલેશ પરમાર નામના કથિત સચિવ સાથે મુલાકાત કરાવી હતી
કમલેશ પરમાર સાથે સારા સંબંધ હોવાથી તેઓ આપણાં બજેટ 60 લાખમાં કામ કરી આપશે એવો વિશ્વાસ આપી નેહાએ બે મહિનામાં કામ પૂર્ણ થઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું. નેહાની વાતમાં વિશ્વાસ આવી જતાં યોગેશે સુરતના અઠવાલાઇન્સ પાસે 2 લાખ રૂપિયા આપ્યા હતા. તે સમયે નેહાએ અરજીની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે આથી દસ પંદર દિવસમાં 20 લાખ રૂપિયા આપવામાં પડશે તેમ જણાવતાં ડિસેમ્બર 2018ના પ્રથમ સપ્તાહમાં 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્રણથી ચાર દિવસ બાદ બીજા દસ લાખ રૂપિયા રોકડા સુરતમાં વરાછા રોડ પર ગાડીમાં આપ્યા હતા.