- મિત્રની રૂપિયાની લેતીદેતી મામલે વચ્ચે પડેલા યુવકની હત્યા
- આરોપીઓ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર
- ડીંડોલી પોલીસ ઘટના સ્થળે
સુરતઃ શહેરના ભેસ્તાન આવાસમાં રહેતો અક્કા મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અક્કાની છેલ્લા કેટલાક સમયથી મોહીદ્દીન શેખ સાથે રૂપિયાની લેતીદેતી મામલે બોલાચાલી પણ થઇ હતી. અગાઉ બંને વચ્ચે વાત મારામારી સુધી પણ પહોંચી હતી. આ દરમિયાન મંગળવારે રાત્રિ દરમિયાન ફરી ઉન વિસ્તારમાં અક્કાની પૈસાને લઇ મોહીદ્દીન સાથે માથાકૂટ થઇ હતી. જ્યાં અક્કાનો મિત્ર ઇમરાન માથાકૂટમા વચ્ચે પડ્યો હતો અને સમાધાનના પ્રયાસ કર્યા હતા.
જો કે, જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની જતા મોહીદ્દીનએ પોતાના પુત્ર શાહરુખ, પત્ની નગમા અને મિત્ર અકબરખાન સાથે મળી ઇમરાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો કરતાની સાથે જ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છવાઇ ગયો હતો. હુમલાબાદ ઘટના સ્થળે જ ઇમરાનનું મોત નીપજતા હત્યારાઓ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું કે, ઇમરાન પણ માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતો હતો અને માથાભારે શખ્સો સાથે ફરતો હતો. હાલ તો ડીંડોલી પોલીસે આ બનાવમાં તમામ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.