- સુરતમાં 29 નવેમ્બરના રોજ યોજાશે દીક્ષા સમારોહ
- દીક્ષાર્થીઓ વ્યવસાય,પેઢી,સંબંધો અને અઢળક સંપત્તિનો ત્યાગ કરશે
- કોઈ કબડ્ડી અને ફૂટબોલમાં નેશનલ પ્લેયર, કોઈ અખૂટ સંપત્તિના માલિક
સુરત: સંસારની મોહ-માયામાંથી નીકળવું મુશ્કેલીભર્યું છે અને તેમાં પણ કરોડો રૂપિયાનો વ્યાપાર (Business) છોડવો કોઈ નાની વાત નથી, ત્યારે સુરતમાં 29 નવેમ્બરના રોજ યોજાનારા સમારોહમાં દીક્ષા (Diksha) લેનારા દીક્ષાર્થીઓ વ્યવસાય, પેઢી, સંબંધો અને અઢળક સંપત્તિનો ત્યાગ કરીને સંયમના માર્ગે જશે. આમાં કરોડોનો આસામી સમગ્ર પરિવાર છે, તો કોઈકના લગ્નજીવનને 5 વર્ષ જ થયા છે. ઉપરાંત તેમાં એવા યુવાઓ પણ છે જે કબડ્ડી અને ફૂટબોલમાં નેશનલ પ્લેયર (National Football Player) છે અને તેમ છતાં પણ તેઓએ દીક્ષાનો માર્ગ પસંદ કર્યો છે.
74 સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારી
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મના મહાનાયક, સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે થનારી 74 સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
મુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહપરિવાર સુરતમાં લેશે દીક્ષા
મુકેશભાઈ શાંતિલાલજી સંઘવી (આખો પરિવાર, મૂળ સાંચોરના, હાલ મુંબઈ વી.પી. રોડ પોશ એરિયામાં રહે છે) તેઓ 42 વરસની ઉંમરે આખા પરિવાર ધર્મપત્ની શિલ્પાબેન, એકના એક પુત્ર યુગ-18 વર્ષ તથા દીકરી કિયોશા કુમારી ઉ.14 સાથે દીક્ષા લે છે. સાંચોરના અતિ ધનાઢ્ય શાંતિલાલજીના 3 પુત્રોમાંના એક પરિવારે પાર્શ્વશાંતિધામ વિશાળ જૈન તીર્થની રચના કરી છે. તેમનો મેટલનો બિઝનેસ ઘણો જ ફેલાયેલો છે અને અઢળક સંપતિના વારસ હતા. મુકેશભાઈ મેનેજમેન્ટના માસ્ટર ગણાય છે. માત્ર 42 વરસની ઉંમરે અપાર સંપત્તિને તથા ખૂબ જ ખ્યાતિ તથા બિઝનેસ એમ્પાયરને છોડી રહ્યા છે. સંઘવી શાંતિલાલજીનો પરિવાર જૈન સમાજનો એક ખ્યાતનામ દાનવીર પરિવાર
બિઝનેસ ટાયકુનના ડાયરેક્ટર બનવાની શરૂઆત થવાની હતી
મન સંજયભાઈ સંઘવી મૂળ સણવાલ હાલ સુરતના છે. તેઓ માત્ર 17 વરસની વયે વૈરાગ્ય લેશે. પિતા સંજયભાઈ સુરત હીરાબજારનું અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે. ખૂબ મોટા ગજાના વેપારી છે. મન માટે તો એમ કહેવાય છે કે તે સંઘવી પરિવારના રજવાડાનો યુવરાજ છે. મન સંજયભાઈના 2 દીકરા પૈકી મોટો દીકરો છે. મસમોટા બિઝનેસ ટાયકુનના ડાયરેક્ટર બનવાની શરૂઆત થવાની હતી. જો કે ગુરુયોગની વાણીની એવી અસર કે સંજયભાઈની પેઢીના નહી, પણ પ્રભુવીર પેઢીના વારસ બનવા તૈયાર થયા.
ભવ્ય ફૂટબોલ તથા કબડ્ડીનો નેશનલ પ્લેયર
ભવ્યકુમાર ભાવેશભાઈ ભંડારી અને વિશ્વાકુમારી ભાવેશભાઈ ભંડારી (મૂળ હિંમતનગર તથા હાલ અમદાવાદમાં રહે છે). ભાવેશભાઈના એકના એક દીકરા તથા દીકરી 16 તથા 18 વરસે ગુરુયોગના ગુરુકુળવાસમાં સંસારની અસારતા સમજ્યાં. ભવ્ય પિતાની અઢળક સંપતિનો એકનો એક વારસ હતો. ભવ્ય ફૂટબોલ તથા કબડીનો નેશનલ પ્લેયર છે. પિતા અનેક રીતે પ્રતિષ્ઠિત રાજકીય-સામાજિક ક્ષેત્રે બહોળા સંબંધો ધરાવે છે. 74-74 દીક્ષાના અમદાવાદના વરઘોડામાં ગત 24 ઓક્ટોબરે તેમના નિમંત્રણથી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પધાર્યા હતા. પિતાની સંપત્તિ, પેઢી, વ્યવસાય, સંબંધો બધાનો વારસો છોડી દીક્ષા લેશે.
આંગીના પિતા પ્રિન્સેસ હીરાના વ્યવસાયમાં મોટું નામ
આંગી કુમારભાઈ કોઠારી મૂળ તેરવાડા, બનાસકાંઠાની આ દીકરી હાલ સુરતના એક્સેલેન્સીયા જેવા ટોપ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા કુમારભાઈ હીરાબજારમાં પ્રિન્સેસ હીરાના વ્યવસાયમાં મસમોટું નામ છે. પરિવારે પાલીતાણામાં વિમલ-કીર્તિ નામે ધર્મશાળા જેવા ઘણા ધાર્મિક સામાજિક કાર્યો કર્યા છે. હોમ હોમ સાહ્યબી તથા ફૂલની જેમ ઊછરેલી દીકરીએ દુનિયાના કહેવાતા એક પણ કષ્ટ સહન નથી કર્યા, પણ તેને ક્યાંય સુખ ન દેખાયું.
મોટો બિઝનેસ અને 5 વર્ષનું લગ્ન જીવન છોડી સંયમના માર્ગે
અંકિતભાઈ પારસભાઈ ઓસવાલ અને રિનીકાબેન અંકિતભાઈ ઓસવાલ મૂળ જાલોર પાસે ગોહનના અને હાલ કર્ણાટક કરાડમાં રહેનારા આ દંપતિ માત્ર 30-31 વર્ષના છે. કોઈ હીરો કે હીરોઈનને ઝાંખા પડે તેવું રૂપ-સૌંદર્ય. માત્ર 5 જ વર્ષનું લગ્નજીવન. દેવતાને પણ ઈર્ષ્યા થાય તેવું સુખી દાંપત્યજીવન. નાની ઉમરમાં પોતે સ્ટાર્ટ-અપ-ઇન્ડિયા હેઠળ બિઝનેસ ઊભો કરેલો. સરકાર પણ નોંધ લે તેવું સફળ સાહસ તથા યુથ આયકોન બિઝનેસમેન. લખલુટ સંપત્તિ વારસામાં નહી, પણ પોતે ઉભી કરેલી. પોતાનું નામ, બિઝનેસ સામ્રાજ્ય, અદભુત રૂપ, ભાવિની જયવંત તકો, ઘણા અરમાનો બધું જ મિથ્યા લાગ્યું, જયારે ગુરુયોગના મુખે જિનવાણી સાંભળી અને આજે અંકિતકુમારે ગુરુકુળવાસમાં નામ અંકિત કરવા પ્રવાસ ખેડ્યો છે.