- સાયબર માફિયાઓનો લોકોના મોબાઈલ ફોન હેક કરવાનો નવતર પ્રયોગ
- પોલીસ અધિકારીઓના ગૃપમાં મૂવી ડાઉનલોડ કરવાની લિંક મોકલી
- લિંક ખોલચા જ તમામ ગૃપમાં આપોઆપ ફોરવર્ડ, કેટલાકના ફોન પણ ડાયવર્ટ
સુરત: સામાન્ય રીતે સાયબર માફિયાઓ સીધા જ લોકોના ફોન અને ડેટા હેક કરતા હોય છે. જોકે, તાજેતરમાં જ એક નવા પ્રકારના સાયબર ફ્રોડને કારણે સુરતમાં પોલીસ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગૃપમાં ફ્રી મૂવી ડાઉનલોડ કરવાની લિંક આવી હતી. જેના થકી પોલીસ અધિકારીઓના ફોન હેક કરવાની કોશિશ થતા ક્રાઈમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા બોર્ડની પરીક્ષાઓની તારીખ બદલીને મેસેજ ફરતો કર્યો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
લિંક અને ફોન કોલ્સ ડાયવર્ટ થવાના શરૂ
વોટ્સએપ પર મોકલવામાં આવેલી લિંક ઓપન કરવામાં આવતા આ લિંક આપોઆપ બીજા ગૃપમાં પહોંચી જતી હતી. આ લિંક પર ક્લિક કર્યા બાદ કેટલાક પોલીસ અધિકારીઓના ફોન કોલ્સ પણ ડાયવર્ટ થયા હતા. એકસાથે સંખ્યાબંધ પોલીસ અધિકારીઓના ફોન આ પ્રકારે હેક થતા તેઓ દોડતા થઈ ગયા હતા અને ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમને સોંપવામાં આવી હતી.
ડાયવર્ટ થયેલા કોલ વલસાડના એક વ્યક્તિને પહોંચતા હતા
કેટલાક પોલીસ કર્મીઓના ફોન કોલ્સ ડાયવર્ટ થતા તેઓ હેબતાઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પોલીસ અધિકારીઓના ફોન કોલ્સ ડાયવર્ટ થઈને જે નંબર પર જતા હતા, તેની તપાસ કરવામાં આવતા વલસાડના એક શખ્સનું નામ બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તેની પૂછતાછ કરવામાં આવતા સવારથી જ તેને આ પ્રકારે સેંકડો ફોન આવ્યા હોવાનું અને આ ફોન કોલ્સથી તે પોતે હેરાન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો:ગુગલમાંથી નંબર શોધી બેન્ક અધિકારીને ફોન કર્યો, ખાતામાંથી ઉપડી ગયા 4 લાખ 70 હજાર રૂપિયા
બનાવ અંગેની તપાસ શરૂ કરાઈ
આ ઘટના સંદર્ભે સુરત ટેક્નિકલ સેલના ACP યુવરાજ ગોહિલે ETV Bharatને ટેલિફોનિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ સામાન્ય લોકો સાથે કેટલાક પોલીસકર્મીઓ દ્વારા પણ આપવામાં આવી છે. અત્યારે આ પ્રકારની માત્ર શાબ્દિક અને ટેલિફોનિક જાણકારી અમને આપવામાં આવી છે. જોકે કોઇ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી. તેમ છતાં આવા બનાવો બનતા અમે તપાસ શરૂ કરી છે. આ લિંક ક્યાંથી આવે છે અને કઈ રીતે ઓપરેટ થાય છે? તે અંગેની તમામ જાણકારીઓ અમે મેળવી રહ્યા છે.