- સુરતમાં બની લુંટની ઘટના
- ડિલિવરી કરવા ગયેલા શખ્સને માર મારી કરાઈ લુંટ
- પોલીસે ગુનો નોંધ્યો
સુરત: લીંબાયતમાં મોબાઈલ ઓનલાઈન મંગાવી તે પાર્સલની ડિલિવરી કરવા ગયેલા શખ્સને માર મારી મોબાઈલના પાર્સલની લુંટ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ડિલિવરી બોયે લીંબાયત પોલીસ મથકમાં ડિલિવરી મંગાવનારા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મંદીરના મહંત પર જીવલેણ હુમલો, 15 હજારની લુંટ
ડિલિવરી બોયને માર મારી મોબાઈલ પાર્સલની લુંટ
સુરતના ઉધના સ્થિત આવેલા વિકાસનગરમાં રહેતા 37 વર્ષીય દિલીપ હોન્યા ગાવીત ઇન્સટાકાર્ટ સર્વિસ પ્રાઈવેટ લીમીટેડ નામની ઓનલાઈન કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. આ દરમિયાન ગત 7 જૂનના રોજ તેમની કંપનીમાંથી ફ્લીપકાર્ડ કંપનીને મળેલી ઓનલાઈન ઓર્ડરના માલ સમાનની ડિલિવરી કરવા માટેના પાર્સલો આપવામાં આવ્યા હતા. જે પાર્સલો દિલીપે લીંબાયત વિસ્તારમાં ડિલિવરી કર્યા હતા. આ દરમિયાન એક મોબાઈલની ડિલિવરી લીંબાયત મહાપ્રભુનગર પાસે રહેતા આર્યન ખાનની હતી. જેથી ડિલિવરી બોયે આર્યને આપેલા એડ્રેસ પર જઈને ફોન કર્યો હતો. જેમાં આર્યન ખાને જણાવ્યું હતું કે, તે ઘરેથી હાલમાં નીકળી ગયો છે. જેથી ડિલિવરી બોય દિલીપે કહ્યું હતું કે તમે જયારે ઘરે આવો ત્યારે ફોન કરજો હું ડિલિવરી આપી જઈશ. ત્યારબાદ થોડા સમય બાદ ફરી આર્યન ખાનનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે મારો ભાઈ લીંબાયત વિસ્તારમાં આવેલી સેવનથ ડે સ્કૂલ પાસે ઉભો છે તેની સાથે તમે મારી શોપ પર આવી જાઓ. જેથી ડિલિવરી બોય સેવનથ ડે સ્કૂલ પાસે પહોંચ્યો હતો. જ્યાં એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને તેને મંગલા પાર્ક સોસાયટીમાં આવેલા પ્લોટ પાસે લઇ ગયો હતો. જ્યાં આર્યન ખાન અને તેની સાથે અન્ય 3 માણસો આવ્યા હતા. બાદમાં ડિલિવરી બોય દિલીપ સાથે વાતચીત કરી મોબાઈલનું પાર્સલ જોવા માંગ્યું હતું અને ડિલિવરી બોય પાર્સલ કાઢતા જ આર્યન ખાન નામના શખ્સે પાર્સલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ડિલિવરી બોયે પ્રતિકાર કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા આર્યન ખાન અને તેની સાથે આવેલા અન્ય 3 શખ્સોએ ડિલિવરી બોય દિલીપને પકડી ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો અને બાદમાં મોબાઈલનું પાર્સલની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ દ્વારકામાં પ્રવાસી પાસેથી લુંટ કરનારો આરોપી ઝડપાયો
પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
આ ઘટના બાદ ડિલિવરી બોય દિલીપે કંપનીમાં જાણ કરી હતી અને બાદમાં લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં લીંબાયત પોલીસે તેની ફરિયાદના આધારે પાર્સલ મંગાવનારા આર્યન ખાન અને તેની સાથે આવેલા અન્ય 3 શખ્સો સહિત કુલ 4 લોકો સામે લુંટનો ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ શરુ કરી છે.