- કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન પિયુષ ગોયલ સુરતની મુલાકાતે
- કેન્દ્રીય પ્રધાને વેક્સિનેશન સેન્ટરની લીધી મુલાકાત
- દિવ્યાંગ શાળામાં જઈને વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા
સુરત: કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન પિયુષ ગોયલ (Piyush Goyal) આજે શુક્રવારે સુરતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં આજે સવારે તેમણે સુરતના દિવ્યાંગ શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાં કેક કટિંગ કર્યું હતું. આ સાથે તેમણે મેગા વેક્સિનેશન ડ્રાઈવ (Mega Vaccination Drive) ને ધ્યાનમાં રાખીને સુરતના અગ્રસેન ભવનમાં ચાલી રહેલા વેક્સિનેશન સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
મેગા વેક્સિનેશન ડ્રાઈવ એ વડાપ્રધાન મોદી માટે રિટર્ન ગિફ્ટ: પિયુષ ગોયલ એક દિવસમાં સુરતમાં 1 લાખથી વધુ લોકોએ વેક્સિન લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરમાં 414 સ્થળે મેગા વેક્સિનેશન ડ્રાઈવ (Mega Vaccination Drive) ચાલી રહી છે. સુરતના અગ્રસેન ભવનમાં મેગા વેક્સિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન પિયુષ ગોયલના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને મેગા કોરોના વેક્સિનેશન ડ્રાઈવ એ તેમના માટે મહત્વની રિટર્ન ગિફ્ટ રહેશે. ગર્વની વાત છે કે, આજે એક જ શહેરમાંથી 1 લાખથી વધુ લોકો વેક્સિન લેશે. આજે હું સુરત આવ્યો છું અને રિટર્ન ગિફ્ટ લઈને જઈશ. સૌથી મોટો ફાળો હેલ્થ વર્કર્સનો છે. જેઓ આટલી મોટી સંખ્યામાં લોકોને વેક્સિનેશન કરાવી રહ્યા છે.
દિવ્યાંગ શાળામાં કેક કાપીને વડાપ્રધાનના જન્મદિનની કરી ઉજવણી
સુરતના એક દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સવારે સુરતની દિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ દિવ્યાંગ બાળકોને મળ્યા હતા અને કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જ્યારબાદ દિવસ દરમિયાન તેઓ સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે રૂબરૂ મળીએ ઉદ્યોગો અંગેની ચર્ચા-મંત્રણા પણ કરશે.