- રેનબસેરાની માગ સાથે શ્રમિકોની સભા
- અકસ્માતમાં રાજસ્થાનના 20 શ્રમજીવીના મોત થયાં હતાં
- સર્વોચ્ચ અદાલતનો આદેશ હોવા છતાં કોઇ વ્યવસ્થા નથી
સુરત: ફૂટપાથ-રસ્તા પર સૂતા મજૂરો માટે તાત્કાલિક આશ્રય ગૃહ બનાવવામાં આવે તેવી માગ સાથે સત્ય શોધક સમિતિ દ્વારા શ્રમિકોના હક અધિકારને લઈ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાન્યુઆરીના રોજ ડમ્પર ચાલકે શ્રમિકોને કચડી મારી નાખ્યાં હતાં
સુરત જિલ્લાના કિમ માંડવી રોડ પર આવેલા પાલોદ ખાતે ગત 18 જાન્યુઆરીના રોડ ફૂટપાથ પર સુતેતા રાજસ્થાનના 20 જેટલા શ્રમજીવીઓને કચડી નાખ્યાં હતાં, જેમાં 15 શ્રમિકોના મોત થયાં હતાં. ફૂટપાથ-રસ્તા પર સુતેલા મજૂરો માટે તાત્કાલિક આશ્રય ગૃહ બનાવવામાં આવે તેવી માગ સાથે શુક્રવારના રોજ સત્ય શોધક સમિતિ દ્વારા એક સભાનું આયોજન કરવમાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતાં. આયોજક દ્વારા શ્રમિકોને મળતા હક અધિકાર કાનૂન વિશે માહિતગાર કર્યાં હતાં.
સુરતમાં રેનબસેરાની માંગ સાથે શ્રમિકોની સભા સુરતમાં 28 રેનબસેરા છે જે અપૂરતાં છે
કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે, 18 જાન્યુઆરીના રોજ ડમ્પર ચાલકે શ્રમિકોને કચડી મારી નાખ્યાં હતાં. સુરત શહેરમાં મોટી સંખ્યામાં શ્રમિકો છે, સરકારે શ્રમિકો માટે રેનબસેરા બનાવવાની કામગીરી કરવાની હોય છે. ત્યારે સુરતમાં 28 રેનબસેરા છે, જે અપૂરતા છે. 25 લાખ જેટલા શ્રમિકો આવતા હોય છે. 2 લાખ જેટલા સ્થળાંતરીત શ્રમિકો બાંધકામ પ્રવૃત્તિમાં આવતા હોય છે. તેની સામે પૂરતા પ્રમાણમાં રેનબસેરા હોવા જોઈએ. હંગામી બાંધકામ કામદારો માટે નિવાસની વ્યવસ્થા કરવાની કાનૂની જોગવાઈ હોવા છતાં અને સર્વોચ્ચ અદાલતનો આદેશ હોવા છતાં આ વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવી નથી અને કામદારો મોતને ભેટે છે.
માર્ચ 2021 સુધીમાં સર્વે કરવામાં આવે તેવી માગ
રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓમાં રસ્તા અને ફૂટપાથ પર સૂતા કે રહેતા સ્થાનિક લોકોનો અને સ્થળાંતરીત મજૂરોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. આ ક્ષેત્રે કામ કરનારા લોકો સાથે મળીને માર્ચ 2021 સુધીમાં સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી. કામચલાઉ ધોરણે જ નજીકની સરકારી પ્રાથમિક શાળાઓમાં, કોમ્યુનિટી હોલમાં રેનબસેરા બનાવવા આશ્રય ગૃહ તાત્કાલિક બનાવવાની માગ સાથે જણાવ્યું હતું કે, મકાનમાં અને અન્ય બાંધકામ કામદારોને માટે બાથરૂમ, શૌચાલય, પીવાના પાણી સાથેની રહેણાક વ્યવસ્થા જ્યાં સુધી કાયમી ધોરણે રેનબસેરા કે આશ્રય બાંધવામાં ન આવે, ત્યાં સુધી કામચલાઉ ધોરણે જ નજીકની સરકારી પ્રાથમિક શાળાઓમાં કે કોમ્યુનિટી હોલમાં કે અન્ય સ્થાનોએ સુવિધા કરવામાં આવે જેથી તેમની જીંદગી સામેનો ખતરો ટાળી શકાય.
રેનબસેરાનું બાંધકામ માર્ચ 2022 સુધીમાં પૂરું કરવા માગ
સમિતિએ માગ કરી હતી કે, રાજ્ય સરકારના બજેટમાં રેનબસેરાના બાંધકામ માટે ઓછામાં ઓછા રૂપિયા 2,000 કરોડની જોગવાઈ કરીને તે ગ્રાન્ટ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આપવામાં આવે અને તાત્કાલિક રેનબસેરાનું બાંધકામ માર્ચ 2022 સુધીમાં પૂરું થાય તેવું આયોજન કરવા માગ કરી હતી.