- સુરતના CAના કારણે 31 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિન મેળવી
- ત્રીજી લહેર પહેલા 1 લાખથી વધુ લોકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક
- માર્ચ મહિનાથી દેશના ખાસ વેક્સિનેશન મહા અભિયાનમાં જોડાયા છે
સુરત : આજે ગુરૂવારે ચાર્ટડ એકાઉન્ટન્ટ ડે (CA Day 2021) છે. આમ તો CA આંકડાઓની માયાજાળથી લોકોને અવગત રાખતા હોય છે, પરંતુ સુરતના એક CA દ્વારા 105 દિવસમાં 500, 1000 કે 5000 નહિ પરંતુ 31000થી વધુ લોકોને કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માં મદદ કરવામાં આવી છે. CA બાલકૃષ્ણ અગ્રવાલે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને શાંતન્મ કોવિડ વેક્સિનેશન સેન્ટર (Covid Vaccination Center) ની શરૂઆત કરી છે. તેમણે આવનારા દિવસોમાં 1 લાખ લોકોને કોરોના વેક્સિન આપવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
સમાજના લોકો માટે અભિયાન શરૂ કરવાનો વિચાર
CA બાલકૃષ્ણ અગ્રવાલની પહેલના કારણે મોટી સંખ્યામાં લોકો વેક્સિનેટ થયા છે અને ત્રીજી લહેર પહેલા તેઓ એક લાખથી વધુ લોકોને વેકસીનેટ કરી શકે તેવો ટાર્ગેટ રાખ્યો છે. સુરત એક ઔદ્યોગિક શહેર છે અને અહીંના CA ક્યારેય પણ નવરાશની પળો માણી શકતા નથી. ત્યારે સમાજના લોકો માટે એક ખાસ અભિયાન શરૂ કરવાનો વિચાર CA બાલકૃષ્ણ અગ્રવાલને આવ્યો હતો. આ માટે તેમણે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢ્યો અને ખાસ ટીમની રચના કરી. જેમાં આજે 50થી વધુ લોકો કાર્યરત છે.