સુરતઃ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમીના આધારે ડુમસ વિસ્તારમાંથી એક યુવકને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, નવા પોલીસ કમિશનર અજય તોમરએ સાફ કરી દીધું કે, સુરતમાં ડ્રગ્સનો કારોબાર કોઈપણ સંજોગો ચલાવી લેવામાં આવશે નહીં અને ત્યારબાદથી સુરતમાં ડ્રગ્સનો વેપાર કરનાર લોકો ઉપર સુરત પોલીસ દ્વારા સકંજો કરવામાં આવ્યો છે. શહેરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવાનું અભિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ લગભગ 1 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ મળ્યું - સુરત ક્રાઇમ બ્રાન્ચ
માત્ર મુંબઈમાં ડ્રગ્સ પેડલર પોલીસ અને નાર્કોટિકસ વિભાગના રડાર પર હોય એવું નથી. ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પણ ડ્રગ્સનો વેપાર કરનાર લોકો ઉપર પોલીસની બાજનજર છે. અમદાવાદ બાદ સુરતમાં પણ લગભગ એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરી છે.
યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા ચાલતી ઝૂંબેશમાં મંગળવારના રોજ એક આરોપી અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી ઝડપાયો છે. સપ્ટેમ્બર મહિનામાં સુરત પોલીસે ડ્રગ્સના વ્યવહાર સંબંધી ત્રણ કેસો કર્યા છે અને હાલ એક કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ પણ કરી છે. જેની હાલ પૂછપરછ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ યુવક ક્યાંથી ડ્રગ્સ લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો. આ અંગે સઘન પૂછપરછ છે ક્રાઈમ બ્રાંચમાં ચાલુ છે. પ્રાથમિક તપાસમાં મુંબઈથી લાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદથી પણ એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. સુરતમાં પણ યુવાનોમાં એમડી ડ્રગ્સ વેચી યુવાધનને બરબાદ કરવાનો કાવતરુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. જેને રોકવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.