- તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ
- જુમાના પત્ની અને 2 દીકરીઓ કાબુલમાં ફસાયા
- પત્ની અને દીકરીઓને ભારત લાવવા માટે ટીકીટ બૂક કરાવી
સુરત : અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. કાબુલની પરિસ્થિતિ બહું જ ખરાબ છે, ત્યારે સુરતમાં PHD કરવા આવેલા અફઘાનિસ્તાનના નાગરિક જુમા રાસુલી માટે એક મિનિટ પણ પસાર કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેમની પત્ની અને બે દીકરીઓ કાબુલમાં ફસાયા છે. કાબુલ ખાતેના તેમના ઘરમાં આ ત્રણે એકલા છે અને જુમા તેમનાથી હજારો કિલોમીટર દૂર ભારતમાં રહે છે. એક દિવસ પહેલા જુમાએ પત્ની અને દીકરીઓને ભારત લાવવા માટે ટીકીટ પણ બૂક કરાવી હતી, પરંતુ ત્યાં એરપોર્ટ પર સ્થિતિ બગડતા તેઓ આવી શક્યા નથી.
આ પણ વાંચો:AFGHANISTAN CRISIS : લોકો પોતાનો જીવ બચાવવા પ્લેનના પૈડામાં લટક્યા, હવામાં પહોંચતા જ નીચે પડ્યા
છેલ્લા 7 વર્ષથી તેઓ ભારતમાં કરે છે અભ્યાસ
37 વર્ષીય જુમા રાસુલી મૂળ અફઘાનિસ્તાનના કાબુલના નિવાસી છે. છેલ્લા 7 વર્ષથી તેઓ ભારતમાં અભ્યાસ માટે આવ્યા છે. સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓએ બેચલર્સ માસ્ટરની ડિગ્રી મેળવી છે અને હાલ તેઓ ઇકોનોમિક્સમાં PHD કરી રહ્યા છે. તેમની પત્ની બિગોમ અને 6 વર્ષીય તેમજ 1 વર્ષીય દીકરી પણ સુરતમાં હતી, પરંતુ તેઓ ત્રણ મહિના પહેલા જ કાબુલ ગયા હતા. જુમાની જેમ તેની પત્નીએ પણ સુરત VNSGUમાં માસ્ટર ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ભણતર માટે અપ્લાય કર્યું હતું, પરંતુ ફી વધારે હોવાના કારણે તેઓએ યુનિવર્સિટીમાં એપ્લિકેશન પણ કરી હતી, પરંતુ ફી ઓછી કરવી કે નહીં આ નિર્ણય માટે 5 મહિનાનો સમય લાગવાનો હતો, તેને લઈને તેઓ હાલ જ કાબુલ ગયા હતા.
પોતાની પત્ની અને 2 દીકરીઓને છોડીને સુરત આવ્યા
ડેટા કલેક્શન માટે કાબુલ ગયેલા જુમા, તેમની પત્ની અને બન્ને દીકરીઓ ત્યાં જ હતા. તે દરમિયાન જુમાના ગાઇડ દ્વારા PHD રિસર્ચ માટે જલ્દી સુરત આવવા માટે કહેવામાં આવ્યું. તેઓ પોતાની પત્ની અને બે દીકરીઓને છોડીને સુરત આવ્યા અને ત્યાં તાલિબાની ગતિવિધિ શરૂ થઈ ગઈ. કાબુલ નજીક જ્યારે તાલિબાનીઓ પહોંચ્યા હતા, ત્યારે જુમાએ પત્ની અને 2 દીકરીઓ સુરત આવી શકે આ માટે ટીકીટ પણ બૂક કરાવી દીધી હતી. પત્નીના વિઝા હોવાના કારણે આશા હતી કે તે તરત જ ભારત આવી શકશે, પરંતુ અચાનક રવિવારે તાલિબાનીઓ દ્વારા કબજો કરી લેવામાં આવતા ત્યાંની સ્થિતિ અસામાન્ય થઈ ગઈ હતી.
આ પણ વાંચો:કાબુલ એરપોર્ટ પર લોકો થયા જમા, અમેરિકી સૈનિકોએ હવામાં કર્યું ફાયરિંગ
21 વર્ષ પહેલા આ રીતે તાલિબાની સંકટ
જુમાએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અચાનક જ તેમના દેશમાં આ દયનીય પરિસ્થિતિ ઊભી થઇ ગઇ છે. દેશ સંપૂર્ણ પણે પતી ગયો છે. દેશને આવી વિકટ પરિસ્થિતિમાં છોડીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ નાસી ગયા છે. પરિવારની ખૂબ જ ચિંતા થઈ રહી છે. 21 વર્ષ પહેલા તાલિબાનોને દેશમાં આવી જ પરિસ્થિતિમાં તેઓએ જોયા છે. જેથી તેમને ખબર છે કે તેઓ કેટલા ક્રૂર છે. મહિલાઓ અને બાળકો માટે પણ તેઓ દયા રાખતા નથી.
પત્ની અને બન્ને બાળકીઓ માટે ખૂબ જ ચિંતા
વધુમાં જુમાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં તેમની પત્નીએ જણાવ્યું છે કે તાલિબાનો દરેક ઘરની તપાસ કરી રહ્યા છે. ઘરની બહાર ફાયરિંગનો અવાજ આવે છે. જુમાંને પત્ની અને બન્ને બાળકીઓ માટે ખૂબ જ ચિંતા થઈ રહી છે. તેઓ વીડિયો કોલ થકી પત્ની અને બાળકો સાથે વાતચીત કરે છે. તેઓએ ભારત સરકારને આગ્રહ કર્યો છે કે, હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તેઓ માત્ર અલ્પસંખ્યક જ નહીં, પરંતુ મુસ્લિમ સમાજના લોકોને પણ શરણ આપે. કારણ કે હાલ તેમની દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને તેઓ ભારતમાં પોતાને સુરક્ષિત માને છે.