પી.પી.સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવે છે. આ વર્ષે મંદીના માહોલ વચ્ચે 275 દીકરીઓના લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારે સુરતના અબ્રામા નજીક 'રઘુવીર વાડી'માં મહેંદી રસમ રાખવામાં આવી હતી. જેમાં દુલ્હનની સાથે તેમની બહેન અને બીજા પરિવારજનો મળી 2500થી વધુ દીકરીઓએ મહેંદી મુકાવી હતી. 8 રાજ્યની આશરે 45 જાતિ તેમજ નેપાળીની એક દીકરીના લગ્ન યોજવામાં આવશે.
મહેશ સાવાણી બન્યા ફરી પાલક પિતા, 275 દીકરીઓના કરાવશે લગ્ન - મહેશ સાવાણી
સુરત: 2012થી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવનારા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ આ વર્ષે પણ 275 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આયોજન કર્યું છે. આ તેમનું 8મું આયોજન છે. 275 દીકરીઓના લગ્ન સાથે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2759 થશે. લગ્નના બે દિવસ પહેલા તમામ 275 દીકરીઓની ગુરૂવારે મહેંદી રસમ કરવામાં આવી હતી.
પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવનારા સુરતના પી.પી.સવાણી પરીવાર આજ સુધી લગભગ 2702 દીકરીઓનું કરિયાવર અને કન્યાદાન કરી ચૂક્યો છે. સેવાના આ યજ્ઞ જેવા કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે હીરા ઉદ્યોગનું સૌથી મોટું નામ એવું લખાણી પરિવાર પણ જોડાયું છે. નવમાં વર્ષે બે દિવસ ચાલનારા લગ્ન સમારોહમાં વહાલસોયી 275થી વધુ દીકરીઓ પરણશે. આગામી 21 અને 22 ડિસેમ્બર, 2019 શનિવાર અને રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા, સુરત મુકામે 270 દીકરીઓ પિતાના ધબકારા રૂપી 'પાનેતર' ઓઢી પ્રભુતામાં પગલાં પાડશે.
આ લગ્ન ઉત્સવમાં કોઇપણ ધર્મ કે જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. આ લગ્ન ઉત્સવમાં એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હોય છે, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હોય છે. સમગ્ર દેશમાંથી રાજસ્વી મહાનુભાવો, અધિકારીઓ (IAS, IPS, IRS) અને મહાનુભાવો આ દીકરીઓનું કન્યાદાન કરશે.