સુરત: ખાવા પીવાના શોખીન સુરતીઓ શહેરના એક પણ રેસ્ટોરન્ટ હોટલ ક્યારેક ખાલી રહેવા દેતા નથી, પરંતુ કોરોના કાળમાં આ ખાલીખમ જોવા મળી રહ્યા છે. હંમેશા ભરચક રહેતા રેસ્ટોરન્ટ આજે સુમસામ છે. લોકડાઉનમાં હોટલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ રહી હતી. જેથી એક રૂપિયાનો પણ લાભ રેસ્ટોરન્ટ કે હોટલ માલિકોને થયો ન હતો. આ વચ્ચે અનલોક 1 અને 2માં આંશિક છૂટછાટ મળતા હોટલો 30 ટકા કર્મચારીઓ સાથે શરૂ થઈ, પરંતુ હોટલમાં આવનારા લોકોની સંખ્યા નહીંવત જોવા મળી છે. જેથી પાર્સલ સેવા શરૂ કરાઈ છે. જેમાં માત્ર 10થી 20 ટકાની જ આવક થઈ રહી હોવાનું હોટલ માલીકો જણાવે છે.
આ અંગે દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખ સનથ રેલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. રૂપિયા 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. લોકડાઉન અને અનલોકને કારણે ખાસ કરીને હાઇવે પર આવેલી હોટલ્સને આર્થિક નુકસાન થયું છે. કોરોનાથી બચવા અને તકેદારીના ભાગરૂપે લોકો હોટલમાં જમવા આવતા નથી.
સુરતમાં 30 વર્ષથી વધુ સમયથી ગીતા ગૃપ ઓફ રેસ્ટોરન્ટના માલિક રમેશચંદ્ર શેટ્ટીએ જણાવ્યું હતું કે, અનલોકમાં માત્ર 30 ટકા કર્મચારીઓ સાથે રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું, પરંતુ માત્ર 10થી 20 ટકા જેટલો જ વેપાર થયો છે. આવક ઓછી થતા પાર્સલ પદ્ધતિના કારણે હોટલ શરૂ કરવામાં આવી છે. આજે પણ લોકો હોટલમાં આવી રહ્યા નથી. આ સાથે હોટલ સ્ટાફની અછત પણ છે. અમે ટિકિટ મોકલીને બીજા રાજ્યમાં ગયેલા કર્મચારીઓને બોલવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.
હોટલ એસોસિએશને મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર, કહ્યું- પરિસ્થિતિ નહીં સુધરે તો 90 ટકા હોટલ બંધ થશે