સુરત: અનલોક-1માં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના અનેક યૂનિટ શરૂ થયા છે, પરંતુ પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાના કારણે કેટલાક ડાઇંગ યૂનિટો બંધ કરવાની નોબત આવી છે. લોકડાઉન દરમિયાન સુરતમાંથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો દ્વારા હિજરત કરવામાં આવી છે. જેથી હવે ઉદ્યોગ શરૂ થતાં ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.
દક્ષિણ ગુજરાત ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું કે, જો સરકાર સ્પેશિયલ ટ્રેન મારફતે શ્રમિકોને ફરી સુરત નહીં બોલાવે તો અનેક પ્રોસેસીંગ યુનિટ હંમેશા માટે બંધ કરવાની નોબત આવશે.
સુરત શહેર સમગ્ર દેશના શ્રમિકોને મોટી રોજગારી આપી રહ્યું છે, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના કારણે લોકડાઉન લાદવામાં આવતાં આ તમામ શ્રમિકો બેરોજગાર બન્યા હતાં. જેથી પરપ્રાંતીય શ્રમિકો પગપાળા પોતાના વતન જવા નીકળી ગયા હતા. આ ઉપરાંત અમુક શ્રમિકો માટે સરકાર દ્વારા શ્રમિક ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, અનલોક-1માં સરકારની ગાઈડલાઈન મુજબ ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. આવા સમયે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, આ ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો જોડાયેલા છે.