સુરત: 2019માં સુરતના એક વિસ્તારમાં 2 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને પોસ્કો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજા ફટકારતા કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી પોતાના ગુનાનો પ્રશ્ચાતાપ કરે તે જરૂરી છે. આ સાથે જ સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે પણ જરૂરી છે.
સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને આજીવન કેદ સુરતના એક વિસ્તારમાં વર્ષ 2019માં 2 વર્ષની માસૂમ બાળકીને તેનો જ પાડોશી દારૂના નશામાં અપહરણ કરી એક ખેતરમાં લઇ ગયો હતો. ત્યારબાદ આ નરાધમે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી બાળકીના માતા-પિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, 11 માર્ચ 2019ના રોજ પીડિત બાળકીના માતા નવનિર્મિત બિલ્ડીંગની સાઈડ પર ટિફિન આપવા ગયા હતા. આ સમયે બાળકી પોતાના ઘરની બહાર રમતી હતી. જેથી નરાધમ આરોપી શત્રુધન ઉર્ફે બીજલી યાદવ દારૂના નશામાં બાળકીને ચોકલેટ આપવાના બહાને ત્યાંથી લઈ ગયો હતો. ત્યારબાદ નજીકમાં આવેલા ખેતરમાં આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ અંગે સરકારી વકીલે જણાવ્યું કે, આરોપીએ જે દુકાન પરથી બાળકીને ચોકલેટ અપાવી તે દુકાનદારના નિવેદન અને CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં શુક્રવારે દલીલોના અંતે આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સજા ફટકારતા કોર્ટે કહ્યું હતું કે, આરોપીએ જે ગુનો કર્યો છે, તેમાં તેને મૃત્યુદંડની સજા પણ ફટકારી શકાય તેવી જોગવાઈ છે, પરંતુ આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખી તે આજીવન જેલમાં રહે અને પોતાના ગુનાનો પ્રશ્ચાતાપ કરે તે જરૂરી છે. આ સાથે જ સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે જરૂરી છે. જેથી આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે.