- 11માં લઘુરુદ્ર યજ્ઞનું કરવામાં આવ્યું આયોજન
- 65 યુગલોએ યજમાન બનીને યજ્ઞમાં લીધો ભાગ
- કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે થઈ રહ્યું છે પાલન
મહાશિવરાત્રી નિમિત્તે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન - MahaShivratri
બારડોલી નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે સત્યમ શિવમ સુંદરમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 65 યુગલો ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.
બારડોલી: સમગ્ર સુરત જિલ્લામાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાલયોમાં સવારથી જ શિવભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યાં સત્યમ શિવમ સુંદરમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11માં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાને કારણે મર્યાદિત યજમાનોની ઉપસ્થિતિમાં આયોજન
મંદિરના પટાંગણમાં દર વર્ષે શિવરાત્રી નિમિત્તે 3 દિવસીય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે મર્યાદિત સંખ્યામાં યજમાનોની ઉપસ્થિતિમાં માત્ર 2 દિવસના લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 65 યુગલો ભાગ લઈ રહ્યા છે. બુધવારે શરૂ થયેલા આ યજ્ઞની આજે મહાશિવરાત્રીના દિવસે પુર્ણાહુતિ કરવામાં આવશે.
કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન
યજ્ઞમાં કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. યજ્ઞમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે ભાગ લેનારાઓને માસ્ક પહેરીને બેસવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ થોડા થોડા સમયે સેનેટાઇઝીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આયોજક દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે છે
લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરનાર સત્યમ શિવમ સુંદરમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણથી લઈ વિધવા-વિધુર સહાય, આદિવાસી વિસ્તારમાં સમૂહલગ્ન, હોસ્પિટલના બિલમાં સહાય સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે.