- સુરત અને વડોદરામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના 18 સેમ્પલ લેવાયા છે
- સેમ્પલમાં પ્રથમવાર રિપોર્ટ નેગેટિવ આવે તો ફરીથી કરવામાં આવે છે ટેસ્ટ
- RT-PCR ટેસ્ટની જેમ પાણીની સીટી વેલ્યુ કાઢવામાં આવે છે
સુરત: અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાઇરસ મળી આવતા હવે રાજ્ય સરકાર હરકતમાં છે. સુરતમાં પાણીમાં કોરોના વાઇરસ શોધવા માટે સરકારે સૂચના આપી છે. જે અનુસંધાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) ના નિષ્ણાતો દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant) માંથી સેમ્પલ લેવાયા છે. પાણીમાં કોરોના વાઇરસ છે કે નહીં તેની ચકાસણી કઈ પદ્ધતિથી કરાય છે, તે અંગે સંશોધનકાર ડૉક્ટર પ્રવિણ દુધાગરાએ સંપૂર્ણ માહિતી આપી હતી.
RT-PCRના માધ્યમથી તેને ડિટેક્ટ કરવામાં આવે છે
વીર નર્મદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર અને સંશોધનકાર ડોક્ટર પ્રવિણ દુધાગરાએ જણાવ્યું હતું કે, પાણીમાં વાઇરસ છે કે નહીં તે રાસાયણિક પદ્ધતિ (Chemical Method) થી જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણીમાંથી ન્યૂક્લિક એસિડને અલગ કરવામાં આવતું હોય છે અને તે પૂર્ણ થયા બાદ RT-PCRના માધ્યમથી કોરોના ડિટેક્ટ કરવામાં આવે છે. મનુષ્યોમાં કોરોના વાઇરસ છે કે નહીં તે ચકાસવા માટે RT-PCRની સીટી વેલ્યુ માપવામાં આવતી હોય છે. તે જ પદ્ધતિથી પાણીમાં કોરોના વાઇરસ (coronavirus in water) છે કે નહીં તે જાણવામાં આવે છે.
એક પ્રોટોકોલ રન કરવા માટે ચારથી પાંચ દિવસનો લાગે છે સમય
ડૉ. દુધાગરાએ વધુમાં જણાવ્યું હતું કે, એક પ્રોટોકોલ રન કરવા માટે ચારથી પાંચ દિવસ લાગતા હોય છે. અમે તેને રેપ્લીકેટ કરતા હોઈએ છે. જેમાં એક સપ્તાહનો સમય લાગે છે. જો કોઈ સેમ્પલમાં પ્રથમવાર રિપોર્ટ નેગેટિવ આવે તો અમે ફરીથી બે વખત ટેસ્ટ કરતાં હોઈએ છીએ. જેથી કન્ફર્મ થાય છે કે વાઇરસ છે કે નહીં. ત્યારબાદ એક અઠવાડિયામાં પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ કરીને રીપોર્ટ તૈયાર થતો હોય છે. સુરતમાંથી 11 અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારની કુલ 7 જગ્યાઓ પરથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant) ના ગંદા પાણીના સેમ્પલ એકત્રિત કરાયા છે. જેની ચકાસણી હાલમાં અમે કરી રહ્યા છીએ.