- સુરતમાં ચલથાણ સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
- સુગર ફેક્ટરીના બોર્ડ રૂમમાં યોજાઈ હતી પ્રથમ બેઠક
- સહકાર પેનલે તમામ બેઠકો પર પોતાનો વિજય ધ્વજ ફરકાવ્યો
- પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી
બારડોલી: ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. (ચલથાણ સુગર ફેક્ટરી)ના પ્રમુખ અને ઉપપ્રમુખની શુક્રવારે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે કેતન પટેલની ફરી એક વખત વરણી થઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ગૌતમ પટેલની વરણી કરી નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.
કિસાન પરિવર્તન પેનલનો થયો હતો સફાયો
ગયા શનિવારે ચલથાણ સુગર ફેક્ટરીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્તમાન પ્રમુખ કેતન પટેલની સહકાર પેનલે તમામ 17 બેઠક પર વિજય પ્રાપ્ત કરી કિસાન પરિવર્તન પેનલનો સફાયો કરી દીધો હતો. દરમિયાન શુક્રવારે વર્ષના પ્રથમ દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
પ્રમુખ તરીકે કેતન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગૌતમ પટેલના નામની દરખાસ્ત
અહીં પ્રમુખ તરીકે કેતન પટેલના નામની દરખાસ્ત ગુણવંત દેસાઈએ કરી હતી, જેને છગન પટેલે ટેકો આપ્યો હતો. પ્રમુખ પદ માટે અન્ય કોઈ દરખાસ્ત ન આવતા કેતન પટેલને પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. કેતન પટેલ સતત બીજી વખત ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે ગૌતમ પટેલના નામની દરખાસ્ત કમલેશ નાયક દ્વારા કરવામાં આવી હતી, જેને અરવિંદ ભક્તે ટેકો જાહેર કર્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા ગૌતમ પટેલ બિનહરિફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર થયા હતા.