- ભારતીયો બનશે 'વોકલ ફોર લોકલ'
- ચીનને રૂ.40 હજાર કરોડનો ફટકો
- કેન્દ્ર વધારશે ઇમ્પોર્ટ ડ્યૂટી
સુરત: ભારતના વેપારીઓએ આ વખતે દિવાળીના તહેવાર પર 'વોકલ ફોર લોકલ' બનવાનો નિર્ણય લીધો છે. આ વખતે બજારમાં કોઈપણ પ્રકારની ચીની બનાવટની વસ્તુઓ જોવા નહી મળે, ફક્ત લોકલ ચીજવસ્તુઓ જોવા મળશે.
આ વખતે ભારતીયો ઉજવશે ચીન ફ્રી દિવાળી, ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની સરકારની વિચારણા ચીનને મોટું નુકસાન
ફક્ત દિવાળી પર જ જો આ પ્રકારે ચીની વસ્તુઓ ન વેચાય તો ચીનને રૂ. 40 હજાર કરોડનો ફટકો પહોંચવાની શક્યતાઓ છે. દિવાળીમાં મોબાઈલ, ઇલેક્ટ્રિકલ ગેજેટ્સ, રમકડા, હોમ ફર્નિશિંગ, ગિફ્ટ આઈટમ, વોચ, કપડા, ફૂટવેર, કોસ્મેટિક, ફટાકડા, ફર્નિચર એટલુંં જ નહીં દિવાળીની પૂજા અને લાઇટિંગ પણ ચીનથી આવતા હતા પરંતુ આ વખતે વેપારીઓએ દિવાળી પર કોઈપણ ચીની સમાન ન વેચવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતના વેપારીઓ પણ સામેલ છે.
ગલવાન ઘટના બાદ લોકલ વસ્તુઓ માટે વધી માગ
CAIT (કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા) ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગતે આ અંગે જણાવ્યું હતું કે, આ વખતે વેપારીઓએ ગલવાનમાં બનેલી ઘટના બાદ વિચારી લીધું હતું કે, ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. આ વર્ષે વેપારીઓ ચીનને રૂ. 40 હજાર કરોડનું નુકસાન પહોંચાડવા માટે કટિબદ્ધ બન્યા છે અને હાલમાં જે લોકલ ભારતીય પેદાશો છે તેની માગ પણ બજારમાં વધારે છે. જે વસ્તુઓ ચીનથી આયાત થતી હતી તેવી અનેક વસ્તુઓ ભારતમાં બનવા લાગી છે.
ઇમ્પોર્ટ ડ્યૂટી માટે સરકારે તૈયાર કર્યુ લિસ્ટ
લોકો પણ હવે બજારમાં ચીનનો માલ ખરીદવા માટે રસ બતાવી રહ્યા નથી. કેન્દ્ર સરકાર ચીનથી આવતી વસ્તુઓ પર ટેક્સ નાખે તો ચીનની વસ્તુઓ વધારે મોંઘી થશે. આથી લોકો તેને ખરીદવા જશે નહીં જેની પર હાલ સરકાર વિચારણા કરી રહી છે. આ માટેનં લિસ્ટ પણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આથી કહી શકાય કે આ વખતે ચોક્કસથી દિવાળી ચાઇના ફ્રી રહેશે.