- મહિલા કોન્સ્ટેબલે લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
- 3 બાળકોને પોલીસ સ્ટેશને લાવી ફરજ નિભાવે છે મહિલા કોન્સ્ટેબલ
- સુરતની પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે મહિલા કોન્સ્ટેબલ
સુરતઃ ખાખીની ફરજ નિભાવવાની સાથે માતાનું કર્તવ્યનું પાલન કરી રહેલી સુરતની મહિલા કોન્સ્ટેબલને લોકો સલામ કરી રહ્યા છે. કોન્સ્ટેબલ અપેક્ષા કોટવાલ પોતાની ડ્યૂટી સારી રીતે નિભાવવા પોતાના સાડા ચાર મહિનાના પુત્ર સહિત ત્રણ બાળકોને રોજે પોલીસ સ્ટેશન લાવે છે. પોલીસ સ્ટેશનમાં આ જ બાળકોની સંભાળ કરે છે અને ત્યાં જ ફરજ પણ બજાવે છે. આથી તેમની બંને ભૂમિકાને તે સારી રીતે ભજવી શકે.
સુરતની પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે મહિલા કોન્સ્ટેબલ
નોકરિયાત મહિલાઓ માટે પરિવાર અને ફરજ બજાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને તેમાં પણ જો મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતી હોય તો તેની મુશ્કેલીઓ બમણી થઈ જતી હોય છે, પરંતુ ખાખી પ્રત્યે પ્રેમ અને બાળકો પ્રત્યે કર્તવ્ય બંને નિભાવવા માટે સુરતની પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનારા મહિલા કોન્સ્ટેબલ અપેક્ષા કોટવાલ બંને ભૂમિકાને ન્યાય આપી રહી છે. અપેક્ષા કોટવાલના ત્રણ બાળકો છે, જેમાંથી મોટો દીકરો 13 વર્ષનો છે, બીજો 8 વર્ષનો છે અને સૌથી નાનો સાડા ચાર મહિનાનો છે. તેમના ઘરે બાળકોની સાર-સંભાળ કરવા કોઈ ન હોવાથી ત્રણેય બાળકોને પોતાની સાથે પુણા પોલીસ સ્ટેશન લઈ આવે છે. એક બાજુ બાળકોની કાળજી લે છે તો બીજી બાજુ પોલીસ મથકમાં આવનાર તમામ કામો પણ તે પૂર્ણ કરે છે. કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી અને તે વખતે પણ પોતાના ત્રણે બાળકોને પોલીસ સ્ટેશન લઇ આવી તે ફરજ નિભાવી રહી હતી. એટલું જ નહીં તે આ દરમિયાન કોરોના પોઝિટીવ થઇ હતી પરંતુ સ્વસ્થ થયા બાદ તે ફરીથી ફરજ પર હાજર થઈ ગઈ હતી.
આ પણ વાંચો-ધર્મેન્દ્રએ 85 વર્ષની વયે કર્યું વોટર એરોબિક્સ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
અપેક્ષા પિતાની જેમ એક સારી પોલીસકર્મી બનવા ઈચ્છે છે
અપેક્ષા કોટવાલ જાણે છે કે, અન્ય જવાબદારીઓ ઘણી છે. લોકો તેમની પાસે અપેક્ષા રાખે છે ત્યારે બીજી બાજુ તે એ પણ જાણે છે કે બાળકોની સારસંભાળ આટલી નાની ઉંમરે સારી રીતે થવી પણ જરૂરી છે. આ જ કારણ છે કે આ બંને જવાબદારી તે સારી રીતે નિભાવવા માગે છે. અપેક્ષા કોટવાલના પતિ સુરતના સિટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવે છે. આ સાથે અપેક્ષા પિતાની જેમ એક સારી પોલીસકર્મી બનવા માગે છે.