- સુરતમાં રત્નકલાકાર બન્યો બાઇકચોર
- પત્નીના ટોણા અને કંકાસથી કંટાળી 30 બાઇકોની ચોરી કરી
સુરત : કોરોના કાળમાં સુરતના અનેક રત્નકલાકારોની હાલત કફોડી થઇ છે ત્યારે ઉત્રાણ ગામમાં રહેતો એક રત્નકલાકાર પત્નીના ટોણા અને કંકાસથી કંટાળી ચોરીના રવાડે ચઢી ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 ચોરીના બાઇક સાથે આ રત્નકલાકારની ધરપકડ કરી છે. પોલીસે ચોરીની તમામ બાઈકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રત્નકલાકારે પત્નીના ટોણા અને કંકાસથી કંટાળી 30 બાઇકોની ચોરી કરી
પત્નીના ટોણા અને કંકાસથી કંટાળી કરી ચોરી
જ્યારે પોલીસે બાઇક ચોરી કરવાનું કારણ આરોપી પાસે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે સાંભળીને સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આરોપી રત્નકલાકારે આ ચોરી તેણે પત્નીના ટોણા અને કંકાસથી કંટાળી કરી છે તેમ કબૂલ્યુ હતું. કોરોના કાળમાં રત્નકલાકાર પતિ ઓછુ કમાતો હતો. પત્ની અવારનવાર તેને ટોણા આપતી હતી કે સાઢુભાઈ બિલ્ડર છે અને તેમની કમાણી વધારે છે. આથી પત્નીના ટોણા અને કંકાસથી કંટાળી આરોપીએ વાહન ચોરી કરવાનું વિચાર્યું.
2017માં રત્નકલાકાર બળવંત ચૌહાણે પ્રથમવાર બાઇક ચોરી કરી
પોલીસે રત્નકલાકારને ચોરીની બાઇક સાથે પકડી પાડયો હતો. 37 વર્ષીય બાઇકચોર બળવંત વલ્લભ ચૌહાણ ઉત્રાણ ગામમાં ગોપાલક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહે છે અને મૂળ ભાવનગરનો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીની 30 બાઇકો કબજે કરી હતી. 2017માં રત્નકલાકાર બળવંત ચૌહાણે પ્રથમવાર બાઇક ચોરી કરી હતી. ચોરીની બાઇકો તેણે ઉત્રાણ તાપી ઓવરબ્રીજના ભાગે ખુલ્લામાં મુકી રાખી હતી. ચોરીની બાઇકો વેચવા માટે ફરતો પરંતુ આરસી બુક અને બાઇકના કાગળો ન હોવાથી કોઈ લેવા તૈયાર ન હતું. આથી તેણે તમામ બાઇકો ભંગારમાં વેચવાનું નક્કી કર્યુ હતું.