સુરત: ગત 26 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ કેટલાક અસામાજીક તત્વો ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેડમાં ચાઈનીઝ ફાસ્ટફૂડની લારી પર નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તો કર્યા બાદ દુકાનદારે તેમની પાસે પૈસા માગ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ દુકાનદારને અપશબ્દો કહ્યા હતાં અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
નાસ્તાના પૈસાના વિવાદમાં દુકાનદારને માર માર્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં નજીવી બાબતે અસામાજિક તત્વોએ દુકાનદારને માર માર્યો છે. આતંકની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં ચાઈનીઝ ફાસ્ટફૂડની લારી ધરાવતા ભાર્ગવ ચૌધરીને ત્રણ-ચાર લોકોએ માર માર્યો હતો. નાસ્તો કર્યા બાદ દુકાનદારે પૈસા માગતા થયેલા વિવાદમાં અસામાજિક તત્વોએ દુકાનદારને ઢોર માર માર્યો હતો અને તોડફોડ કરી હતી.
સુરત બબાલ
ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત દુકાનદાર ભાર્ગવ ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.