સુરત: કોરોના મહામારીમાં સરકારે લોકડાઉન બાદ અનલોક-1માં છૂટછાટો આપી છે. જેથી મોટાભાગના ઉદ્યોગો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટના ઉદ્યોગને અનલોક-1માં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જેથી સર્ધન ગુજરાત હોટલ એસોસિએશને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી કર્ફ્યૂની સમય મર્યાદામાં રાત્રીના 11 વાગ્યા સુધીનો વધારો કરવાનો અનુરોધ કર્યો છે. આ સાથે જણાવ્યું છે કે, સરકાર દ્વારા તેમને વેરાબીલ, વીજળી બિલ અને GSTમાં રાહત આપવામાં આવે. આ ઉપરાંત જો કર્ફ્યૂનો સમય વધારવામાં નહીં આવે, તો દક્ષિણ ગુજરાતની 70થી 90 ટકા હોટલ બંધ થવાની શક્યતા છે.
હોટલ એસોસિએશને મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કહ્યું- પરિસ્થિતિ નહીં સુધરે તો 90 ટકા હોટલ બંધ થશે - હોટલ એસોસિએશનનો મુખ્યપ્રધાનને પત્ર
કોરોના પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશને અઢિ મહિના માટે લોકડાઉન કર્યો હતો. ત્યારબાદ અનલોક-1 જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ દરમિયાન હોટલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગ રાત્રીના 9 વાગ્યા સુધી શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. આમ છતાં હોટલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગને 400 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. જેથી સર્ધન ગુજરાત હોટલ એસોસિએશને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
આ અંગે સર્ધન ગુજરાત હોટલ એસોસિએશનના ઉપ-પ્રમુખ સનત રેલીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની તમામ હોટલોને 400 કરોડ જેટલું નુકસાન થયું છે. આ ઉપરાંત આવી જ પરિસ્થિતિ રહેશે, તો દક્ષિણ ગુજરાતની 70થી 90 ટકા હોટલો બંધ થઈ જશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાસે માગ કરી છે કે, અનલોક-2માં કર્ફ્યૂની સમય મર્યાદા રાત્રે 9 વાગ્યાથી વધારી 11 વાગ્યા સુધી કરવામાં આવે. આ ઉપરાંત અનલોક-1માં હોટલ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાથી સરકાર તેમને લાઈટબીલ, વેરાબીલ અને GSTમાં રાહત આપે.