- હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું મોત
- બાઇક પરથી બેગ પડી ગઈ, લેવા જતા કારે અડફેટે લીધા
- પત્નીના મોતથી પતિ પર તૂટી પડ્યું આભ
સુરત: શહેરમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આનંદ હોમ્સના ઘર-નંબર-101માં રહેતા વિપુલ શ્રીવાસ્તવ અને તેમની પત્ની સોનમ શ્રીવાસ્તવ આજે વહેલી સવારે બાઈક ઉપર સુરત રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા. તે દરમિયાન અલથાણ ધીરજ સન્સની પાસે આવેલી ખાડી ઉપર ક્રોસ કરતી વખતે બાઈક ઉપરથી બેગ પડી જતા સોનમ બેગ લેવા જતા પાછળથી અજાણ્યા કારચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા
આ સમય દરમિયાન વિમલ શ્રીવાસ્તવે તરત 108ને બોલાવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ફરજ પરના ડો.ઉમેશ ચૌધરીએ કહ્યું કે, તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સાંભળી વિમલ શ્રીવાસ્તવ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે બંને પતિ-પત્ની સુરત રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગમાં બાઈક મૂકી મુંબઈ જવાના હતા.
સુરત રેલવે સ્ટેશન પર બાઇક મુકીને રેલવેમાં મુંબઈ જવાના હતા
આ બાબતે વિપુલના પિતા લાલુપ્રસાદ શ્રીવાત્સવે જણાવ્યું કે, મારા પુત્ર અને પુત્રી આજે વહેલી સવારે મુંબઈ જવા માટે નીકળ્યા હતા, કારણકે મારી પુત્રવધુને હાથ-ઉપર નાના નાના ચાંદા પડી ગયાં હતા. તેની સારવાર મુંબઈના બોરીવલીમાં થઇ રહી હતી. તેઓ સુરત રેલવે સ્ટેશન ઉપર બાઈક મૂકી ત્યાંથી ટ્રેન મારફતે જવાના હતા. તેઓ આજે સવારે 4 વાગે નીકળ્યા હતા અને મને સવારે 5:30 વાગે વિપુલનો ફોન આવ્યો તે રડતો હતો, કે આવી ઘટના બની છે. ત્યા બાદ મેં મારાં બીજા પરિવારજનોને જાણ કરી અને અમે હોસ્પિટલમાં પહોંચ્યા."