સુરતઃ ઓલપાડ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સેના ખાડીમાં ભારે પાણીની આવક થતા અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે ઓલપાડના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
ભારે વરસાદના પગલે સુરતના ઓલપાડ નગરમાં પાણી ભરાયા - ભારે વરસાદ
સુરત જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક તાલુકાઓમાં જળબંબાકાળના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ઓલપાડ નગરની સોસાયટી અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સતત પડી રહેલા વરસાદને પગલે ઓલપાડ તાલુકાનું જનજીવન પ્રભાવિત બન્યું હતું.
ભારે વરસાદને કારણે સેના ખાડી ઓવરફલો થતા ઓલપાડથી હાથીસા જતા માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જવાના કારણે સમગ્ર રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાથીસા રોડ પર મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કોર્ટ, સરકારી કોલેજ અને આઈ.ટી આઈ જેવી સંસ્થાઓ આવેલી છે. આ રસ્તા પર પાણી ભરાવાથી કોર્ટ અને મામલતદાર કચેરીઓની તમામ કામગીરી બંધ થઇ હતી. જેને પગલે દુર ગામોથી આવતા અરજદારો અટવાઈ પડ્યા હતા. હાથીસા રોડ પર આવેલા શ્રમજીવીઓના ઘરમાં સેના ખાડીના પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સેના ખાડી ઓવરફલો થતા પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર બાંધવામાં આવેલા ઝીંગા તળાવો છે, ઝીંગા તળાવોની પાળને પગલે સેના ખાડીનું પાણી બહાર ઓવરફલો થઇ રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે. જેનો ભોગ નાના શ્રમજીવી પરિવારો બનતા હોય છે. ઝીંગા તળાવ મુદ્દે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયર્વાહી કરવામાં આવી રહી નથી.