સુરત: સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદના કારણે ખાડીઓ ઓવરફલો થઇ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતા મૂજબ આવનાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઇ સુરત મહાનગર પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. આગામી કલાકમાં ઉકાઈ ડેમથી એક લાખ ક્યુસેક પાણી તકેદારીના ભાગરૂપે છોડવામાં આવશે.
સુરતમાં ભારે વરસાદની આગાહી, પાલિકાના તમામ કર્મચારી-અધિકારીઓની રજા રદ્દ - સુરત વરસાદ
સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદના કારણે ખાડીઓ ઓવરફલો થઇ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતા મૂજબ આવનાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઇ સુરત મહાનગર પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
અગાઉ તાપી નદીમાં પૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પરંતુ આ વર્ષે ખાડીઓ ઓવરફલો થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાડી નજીક આવેલા વિસ્તારોમાં ખાડીનો પાણી બે થી ત્રણ ફૂટ જેટલો ભરાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી 750થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. જ્યારે 200 જેટલા લોકોનો રેસ્ક્યુ કરાયું છે. મીઠીખાડી સિવાય અન્ય ખેલાડીઓમાં વોટર લેવલ ઓછું થયું છે, પરંતુ મીઠી ખાડીમાં અત્યાર સુધી પાણી ઓવરફ્લો છે. જેના કારણે પોલીસ અને પાલિકાના કર્મચારીઓ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, આવનાર પાંચ દિવસમાં વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે. પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા આ માટે કેન્સલ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગના જવાનો અને પાલિકાના કર્મચારીઓને ખાડીઓ નજીક તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં ઉકાઇ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેની અસર નીચાણવાળા વિસ્તારમાં જોવા મળશે નહીં.