સુરત: સુરતના હીરાઉદ્યોગમાં સંકળાયેલા લોકોના સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોના કારણે તંત્રમાં ફફડાટ મચ્યો છે. બીજી બાજુ સુરતમાં પણ કોરોના પોઝિટિવના કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. આજ કારણ છે કે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ સુરતની મુલાકાતે આવ્યાં છે. જયંતી રવિએ બીજા દિવસે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને ત્યાંના ડોક્ટર સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. ત્યારબાદ તેઓએ કતારગામ ઝોનની મુલાકાતે આવ્યાં હતાં કે જ્યાં એક અનલોક 1 બાદથી 1000 થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે.
આ વિસ્તારમાં મોટા ભાગે હીરાઉદ્યોગની ફેક્ટરીઓ અને કારખાના આવેલ છે અને આ વિસ્તારમાં મોટા ભાગે રત્ન કલાકારો કોરોના પોઝિટિવ થયાં છે. જેથી સમગ્ર વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયાં છે. જેની મુલાકાત જયંતી રવિએ લીધી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,કન્ટેનમેન્ટ પ્લાનનું અમલીકરણ કરવા ટીમ રાઉન્ડ ધ કલોક કામ કરી રહી છે. લોકો પોતાના ઘરે રહે તેવી અપીલ છે. સિવિલની કોવિડ હોસ્પિટલમાં બેડ વધારવા ની જાહેરાત કરવામાં આવી છે. ઘરે સારવાર લઈ રહેલ દર્દીઓને વિડીયો કોલથી અધિકારીઓની ટીમ નજર રાખશે. જે માટે એક ટીમ ખાસ બનાવવામાં આવી છે. હોમ આઇસોલેશન હેઠળ રહે તેવી અપીલ છે. ઘરમાં બેડરૂમ સાથે ટોયલેટની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓને અલગથી વ્યવસ્થા કરવામાં આવશે.
સમાજની વાડીઓ હોય તેનો ઉપયોગ હોસ્પિટલ તરીકે કરાશે. વાડીના અગ્રણીઓ જોડે આ મામલે વાતચીત કરવામાં આવશે. હોટેલ સાથે ટાઈ અપ કરવામાં આવી રહ્યું છે. 104 નંબરથી લોકોને અપીલ છે કે તેઓ લક્ષણ જણાય તો સંપર્ક કરે. સુરતની ટીમ ખૂબ જ સારું કામ કરી રહી છે. મોતના સાચા આંકડા છુપાવવામાં નથી આવી રહ્યાં, મોતને લઈ તમામ સટીક તપાસ કરવામાં આવે છે..83 ટકા કો-મોરબીડ લોકોના મોત થયાં છે.ક્રિટિકલ કન્ડિશન બાદ મોત થઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મિટિંગ કરવામાં આવી છે. આ સાથે ડેપ્યુટી કલેકટર સહિતની ટીમ ઉભી કરી છે. મોતના સંજોગોમાં પ્રોટોકોલ મુજબ જ વિધિ કરવામાં આવે છે. હીરા ઉદ્યોગને બંધ રાખવા અંગે નિવેદન આપતા જયંતી રવિએ જણાવ્યું હતું કે, હાલ ટેમ્પરરી યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. હાલ બંધ કરવાના કારણે કેસોનું સંક્રમણ અટકાવી શકાય છે.