- આરોગ્ય પ્રધાને સુરતના ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેને પત્ર લખ્યો
- માસ્ક સિવાયના અન્ય કોઈ દંડ નહી ઉઘરાવવા રજૂઆત કરી છે
- દંડ લેવાની કાર્યવાહી બંધ નહિ કરવામાં આવે તો સ્થળ પર ઉતરી વિરોધ નોંધાવાની ચીમકી
સુરત: જિલ્લામાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. સાંજ પડતા જ સુરતના સ્ટેશન, વરાછા જેવા અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા લોકો પાસેથી મોટા દંડ વસુલવામાં આવે છે. તેથી રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે અને માસ્ક સિવાયના કોઈ દંડ ન લેવા વિનંતી કરી છે, એટલું જ નહી આ દંડ લેવાની કાર્યવાહી બંધ નહિ કરવામાં આવે તો સ્થળ પર ઉતરી વિરોધ નોંધાવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેઓએ આ પત્ર સોશ્યલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો.
પત્રમાં શું લખ્યું
આરોગ્ય પ્રધાને કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે, મારા ધ્યાને આવ્યું છે કે છેલ્લા કેટલા સમયથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટુવ્હીલર અને નાના ટેમ્પોના વાહનોમાં પોતાની રોજી રોટી કમાવા માટે એમ્બ્રોઇડરીના પોટલા લઈને જતા લોકોને રોકીને મનસ્વી રીતે દંડની ઉઘરાણી કરે છે. લગભગ છેલ્લા બે વર્ષથી કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે. આવા સમયમાં એમ્બ્રોઇડરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાના વાહન પર પોટલા મૂકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા 10-15ના ટોળામાં પોલીસ જવાનો દ્વારા તેમની પાસેથી દંડની રકમ વસુલવામાં આવે છે. અમુક લોકોને ખાવાના પણ ફાફા પડતા હોય છે, તેમજ તેમને ટેમ્પાના ભાડા પણ પોસાતા ન હોય ત્યારે આવી રીતે દંડ ઉઘરાવવો કેટલી હદે વ્યાજબી છે ? તેમજ સરકારશ્રીની સ્પસ્ટ સુચના હોય કે માસ્ક સિવાય અન્ય કોઈ પણ જાતના દંડની વસુલાત કરવી નહી, આમ છતાં જો આ દંડ લેવાની કાર્યવાહી બંધ નહિ કરવામાં આવે તો અમારે સ્થળ પર ઉતરી વિરોધ નોધાવવો પડશે.