- સુરતમાં સાયબર ક્રાઈમનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો
- મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી બીભત્સ મેસેજ કર્યા
- આરોપીને છે તીન પત્તી રમવાનો શોખ
સુરત: સુરતમાં સાયબર ક્રાઈમનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી તેના સગા સંબંધીઓને બીભત્સ મેસેજ કરનારા શખ્શને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેને તીન પત્તી ગેમ રમવાનો શોખ છે. જેથી મહિલાના એકાઉન્ટમાં પોઈન્ટ વધારે હોવાથી તેનું એકાઉન્ટ હેક કર્યું હતું અને બાદમાં બીભત્સ મેસેજ કર્યા હતા.
મહિલાના સગા સંબંધીઓને કર્યા બીભત્સ મેસેજ
સુરતમાં રહેતી મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. બાદમાં તેના એકાઉન્ટમાંથી તેના જ સગા સંબંધી અને મિત્રોને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે તેના મિત્રોએ મહિલાને જાણ કરતાં મહિલાએ આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પાસોદરા ખાતે રહેતા અને અભ્યાસ કરતા મેહુલ દિનેશભાઈ ખુંટની ધરપકડ કરી હતી.
મહિલાના એકાઉન્ટમાં પોઈન્ટ વધારે હોવાથી તેનું એકાઉન્ટ હેક કર્યું
પોલીસે આરોપી શખ્શની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેને તીન પત્તી ગેમ રમવાની આદત છે. મહિલાના એકાઉન્ટમાં તીન પત્તીના પોઈન્ટ વધારે હોવાથી તેનું એકાઉન્ટ હેક કર્યું હતું અને બાદમાં તેના જ એકાઉન્ટ પરથી તેના સગા સંબંધી અને મિત્રોને બીભત્સ મેસેજ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે આરોપી શખ્શની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.