- રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગુંજને અત્યાર સુધીમાં 27 મેડલ પ્રાપ્ત કર્યા
- બ્રોન્ઝથી લઈને ગોલ્ડ સુધીના મેડલ મેળવ્યા
- ગુંજને પોતાની પ્રેક્ટિસ દરમિયાન દોઢ લાખ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે
સુરત: પીપલોદમાં રહેતી 26 વર્ષીય ગુંજન મિસ્ત્રીએ રાઇફલ શૂટિંગમાં કાઠું કાઢ્યું છે. ગુંજને અત્યાર સુધીમાં અલગ-અલગ રેંજની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં 27 મેડલ પ્રાપ્ત કર્યા છે. રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીની ઇવેન્ટમાં મેડલ મેળવી ચૂકેલી ગુંજન હાલ આગામી માર્ચમાં યોજાનારી 56મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેમજ એપ્રિલમાં યોજાનારી 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહી છે.
ગુંજન 20 વર્ષની ઉંમરથી પ્રોફેશનલ શૂટિંગની પ્રેક્ટિસ કરી રહી છે
ગુંજન 20 વર્ષની ઉંમરથી પ્રોફેશનલ શૂટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. અત્યાર સુધીમાં ગુંજને 10 મીટર એર રાઇફલ વુમેન પોઇન્ટ 22, 50 મીટર રાઇફલ થ્રિ પોઝિશન વુમેન અને 50 મીટર પ્રો વુમેન જેવી કેટેગરીમાં બ્રોન્ઝથી લઈને ગોલ્ડ સુધીના મેડલ મેળવ્યા છે. ગુંજને પોતાની પ્રેક્ટિસ દરમિયાન દોઢ લાખ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા ગુંજને વ્યક્ત કરી હતી.
પ્રેક્ટિસ માટે ઘરમાં જ બનાવી શૂટિંગ રેન્જ
શહેરમાં રાઇફલ પ્રેક્ટિસ માટે યોગ્ય જગ્યા ન હોવાને લીધે આખરે ગુંજનના પિતા ભારતભાઈએ ગુંજન માટે ઘરમાં જ 10 મીટર શૂટિંગ રેન્જ બનાવી આપી હતી. ગુંજન રોજ આ શૂટિંગ રેન્જમાં જ પ્રેક્ટિસ કરે છે. કોરોના કાળમાં ઇવેન્ટ ન યોજાવાને લીધે ઘરમાં જ પ્રેક્ટિસ કરીને શૂટિંગ ક્ષમતા વધારવામાં ગુંજન વ્યસ્ત રહી હતી.
6 વર્ષમાં 10 લાખનો ખર્ચ કર્યો
રાઇફલ શૂટિંગના પ્રોફેશનલ પ્લેયર બનવા માટેની આવશ્યકતાઓ પુરી કરવા ગુંજનનો પરિવાર 10 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. હાલ ગુંજન પાસે 2 રાઇફલ છે જેનાથી તે પ્રેક્ટિસ કરે છે. ગુંજને જણાવ્યું હતું કે, તેણીના પિતા જ તેના કોચ છે. ઉપરાંત ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન આયોજિત ટ્રેનિંગમાં ગગન નારંગ અને પવન સિંહ પાસે પણ ગુંજને ટ્રેનિંગ લીધી હતી.