સુરત : ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022માં (Global Patidar Business Summit 2022 ) 36 કિલો ચાંદીના ભગવાનના અદભૂત વાઘા જોઈ સુરતીઓ આશ્ચર્યમાં મૂકાઇ ગયાં છે. એટલું જ નહીં, 12 ઈંચની સોનાની વીંટીએ પણ આકર્ષણ જમાવ્યું છે. જેની કિંમત સાંભળીને દરેક સ્તબ્ધ થઈ જાય એમ છે.
95 દિવસમાં બનાવ્યાં ભગવાનના અદભૂત વાઘા- સુરતના સરસાણા ખાતે તા.29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 (GPBS2022 )યોજાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટ અને એક્ઝિબિશનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું છે. ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટ 2022માં કંઈક નવું આપવાના આગ્રહ સાથે પ્રેમવતી ગોલ્ડ દ્વારા 36 કિલો ચાંદીના ભગવાનના વાઘા બનાવવામાં આવેલ છે. જેને 18 કારીગરોએ 95 દિવસમાં બનાવ્યા છે. આ કારીગરો ભગવાનના અલંકારો પૂરી ભક્તિ ભાવના સાથે બનાવતા હોવાથી ખૂબ જ ધન્યતા અનુભવે છે અને ઘરેણાં ખૂબ જ આકર્ષક બનાવી રહ્યા છે.
18 કેરેટની આ મસમોટી વીટીં જોઇ? - ભગવાનના વાઘા સાથે મસમોટી સોનાની વીંટીએ પણ આકર્ષણ જમાવ્યું છે. આમ તો આપે અનેક વીંટી જોઈ હશે જે આંગળીમાં ફિટ બેસી જાય એવી હોય છે. પરંતુ 12 ઇંચની અને 400 ગ્રામ વજનની આ વીંટી 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરાઈ છે. જેને લોકો આંગળીમાં તો પહેરી શકે એમ નથી, પણ હાથમાં લઇ સંતોષનો અનુભવ કરી શકે છે.