સુરતઃ કોરોનાકાળની સૌથી ભયાનક વાત એ છે કે, પોઝિટિવ દર્દીના મૃત્યુ સમયે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના કોઈ સભ્ય હાજર રહેતા નથી. ત્યારે પરિવારના સભ્યની જેમ જ એકતા ટ્રસ્ટ દ્વારા તેમના ધર્મ અને જાતિના અનુસારે અંતિમવિધિ કરવામાં આવે છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 576 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે તેમજ આ મળીને શંકાસ્પદ દર્દીઓ સાથે 800 જેટલા લોકોના અંતિમ સંસ્કાર અબ્દુલ મલબારીના એકતા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કરવામાં આવે છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે જ્યારે પોઝિટિવ દર્દીના અંતિમ સમયે તેના કોઈપણ સ્વજન અંતિમક્રિયામાં હાજર રહેતા નથી એવા સમયે સુરતના અબદુલભાઈ તેમના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમ ક્રિયા કરતા હોય છે. સુરતમાં કોરોનાથી મોતને ભેટેલા ચારેય દર્દીના તેમના ધર્મ અનુસાર વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરનાર અબ્દુલ રહેમાન મલબારી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયા છે. ટ્રસ્ટના 10 જેટલા સભ્યો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.