- રોજ 20થી 25 મૃતદેહો આવી રહ્યા છે
- જિલ્લાના બારડોલી, ખોલવડ અને કડોદરામાં મૃતદેહ મોકલવામાં આવે છે
- કેપેસિટી કરતા વધુ મૃતદેહો આવતા સર્જાયા ભયાવહ દ્રશ્યો
બારડોલી: સુરત શહેરમાં કોરોનાને કારણે વધી રહેલા મૃત્યુઆંકને કારણે મૃતદેહોને જિલ્લાના સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવી રહ્યા છે. જિલ્લાના બારડોલી ઉપરાંત કડોદરા અને કામરેજના ખોલવડમાં આવેલા સ્મશાન ગૃહમાં કોરોના સંક્રમિત મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. ત્રણેય સ્મશાન ગૃહોમાં કેપેસિટી કરતા વધુ મૃતદેહ આવતા સ્થિતિ ભયાનક થઈ ગઈ છે.
આ પણ વાંચો:જામનગર આદર્શ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહોની લાંબી કતારો
સુરત શહેરમાં લાંબી કતારો લાગતા મૃતદેહો ગ્રામ્ય વિસ્તારમાં મોકલાય રહ્યા છે
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મૃત્ય દરમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેને કારણે સુરત શહેરના તમામ સ્મશાન ગૃહોમાં હાલ મૃતદેહોની લાંબી કતાર લાગી રહી છે અને ટોકન પદ્ધતિથી અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. આથી હવે સુરત શહેરના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ગ્રામીણ વિસ્તાર તરફ મોકલવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાગી રહી છે લાઇન, પરંતુ મૃતદેહોનો ભરાવો એટલો છે કે ગ્રામીણ વિસ્તારના સ્મશાન ગૃહોમાં પણ 3થી 4 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. સુરતના બારડોલી, કડોદરા અને ખોલવડ સ્મશાન ગૃહો પર સુરત શહેરમાંથી મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે.
શહેર કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો નિર્ણય
સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરત શહેરના કોવિડ મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટેની વાત કરતા તમામ સ્મશાન ગૃહો પર હાલ અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે. કામરેજના ખોલવડમાં 11 એપ્રિલે સવારથી 22 જેટલા મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે અને હજુ પણ સુરત શહેર વિસ્તારમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવામાં આવી રહ્યા છે.