સુરત: આજના યુગમાં બાળકોમાં ઓનલાઇન ગેમ રમવાની લત વધી રહી છે. આ પ્રકારની ગેમ ઘણી વખત હત્યાને અંજામ આપે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં FREE FIRE ગેમના કારણે એક બાળકની હત્યા કરવામાં આવી છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં FREE FIRE ગેમ જીવલેણ બની, 11 વર્ષિય બાળકની હત્યા
FREE FIRE ઓનલાઇન ગેમના કારણે એક માસૂમને તેના જ પરિચિતે મોતને ઘાટ ઉતારી દીધો છે. સુરતમાં 11 વર્ષનો બાળક FREE FIREમાં કોઈન કલેક્ટ કરવા માટે પોતાના પૂર્વ મકાન માલિકના મોબાઈલમાં પરવાનગી વિના ગેમ રમી રહ્યો હતો. જેમાં આ બાળકે મકાન માલિકના કોઈન ગુમાવ્યા હતા. જેથી રોષે ભરાયેલા આરોપીએ માસૂમ બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો છે.
આજના યુગમાં બાળકો ઓનલાઈન ગેમ રમીને પોતાનું મનોરંજન કરતા હોય છે. ઓનલાઈન ગેમમાં અલગ-અલગ પ્રકારના લેવલ અવતા હોય છે. જેને ક્રોસ કરવા માટે બાળકો દિવસ-રાત જોયા વિના ગેમ રમતા હોય છે. સુરતમાં 11 વર્ષીય માસૂમ બાળક આકાશને પણ આ પ્રકારની ઓનલાઈન ગેમ FREE FIREની લત લાગી હતી. જેથી આકાશ લેવલ ક્રોસ કરવામાટે અવાર-નવાર પોતાના પિતાના મોબાઇલ અથવા તો ગેમ ઝોનમાં જઈને ગેમ રમતો હતો.
મંગળવારે આકાશ પોતાના પૂર્વ મકાન માલિકના ઘરે જઈ મકાન માલિક રાજેશના મોબાઈલમાં FREE FIRE ગેમ રમી રહ્યો હતો. આકાશના ગેમ રમવા સમયે મકાન માલિક રાજેશે ટકોર કરી ગેમ નહીં રમવા માટે સમજાવ્યું હતું, પરંતુ લેવલ ક્રોસ કરતા કરતા આકાશે ગેમમાંથી કોઈન ગુમાવ્યા હતા. જેથી આ બાબતે રોષે ભરાયેલા પૂર્વ મકાન માલિક રાજેશે આકાશનું ગળું દબાવી હત્યા કરી નાખી છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી રાજેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.