- સરકારી યોજના હેઠળ રૂપિયા 4500નું ટેબ્લેટ રૂપિયા 1000માં આપવાની જાહેરાત કરી હતી
- 18 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી 15 હજાર ટેબલેટનો ઓર્ડર
- સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધી આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી
સુરત: વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડ ટાવર ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિદ્યાર્થીઓ ટેબલેટ ખરીદીને અભ્યાસ કરી શકે તે માટે જાહેરાત કરી હતી, પરંતુ હવે આ કંપની સંચાલકો સામે 18 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી 15 હજાર ટેબલેટનો ઓર્ડર મેળવીને એડવાન્સમાં રૂપિયા દોઢ કરોડ ખંખેરી લેવાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે કંપનીના સંચાલકો કહી રહ્યા છે કે, કેટલાક અસામાજીક તત્વો તેમને ફસાવવામાં લાગે છે, ટ્યુશન કલાસીસના સંચાલકોએ લોકો પાસેથી લાખો રૂપિયા લીધા છે અને તેમની પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી હતી
સાવન ઠાકરશી ખેની તેના પિતા ઠાકરશી અણદા ખેની અને અશ્વિન બાબુ વાઘાણીએ ભાગીદારીમાં વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડ ટાવરમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી હતી અને તેની ડિપાર્ટમેન્ટલ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટેની નોંધણી કરાવી હતી.
ઓછી કીંમતે ટેબલેટ આપી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન મેળવવા મદદ કરાય છે
કંપનીના સંચાલકોએ ઓક્ટોબર 2020માં શહેરમાં આવેલા અલગ-અલગ ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, કોલેજ તથા સોસાયટીઓમાં હાલ ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હોવાથી કંપની દ્વારા સરકારની યોજના હેઠળ રૂપિયા 4500નું ટેબલેટ માત્ર રૂપિયા 1000 માં વિદ્યાર્થીઓને આપીએ છે, તેવી જાહેરાત કરી હતી. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન મેળવવા મદદ મળી રહે.
છેતરપિંડી કરીને નાસી ગયા હોવાનો આક્ષેપ
આ જાહેરાત બાદ કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કલાસીસના સંચાલક નિકુંજના વિદ્યાર્થીઓના 3844 ટેબલેટનો અને ખેમરાજ ભાવા પટેલ પાસેથી 3750 ટેબલેટનો ઓર્ડર મેળવી એડવાન્સ પેટે પૈસા લીધા હતા. ત્યારબાદ માત્ર 78 ટેબલેટ મોકલી બાકીના રૂપિયા નહિ મોકલી એડવાન્સ પેટે રૂપિયા 70.70 લાખ તેમજ શહેરના અન્ય ક્લાસીસ મળી કુલ 18 જેટલા ક્લાસીસના સંચાલકો પાસેથી એડવાન્સમાં 15000ના હિસાબે કુલ રૂપિયા દોઢ કરોડ મેળવી ટેબલેટ નહીં આપી છેતરપિંડી કરી નાસી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
જાણ બહાર સપ્ટેમ્બર મહિનામાં ટેબલેટનું બુકિંગ ચાલુ કર્યું
આ કેસના આરોપી સાવન ઠાકરશી ખેનીએ જણાવ્યું છે કે, યોજના હેઠળ અમે 30,000 ટેબલેટનું બુકિંગ કર્યું હતું. જેમાંથી 15 હજાર ટેબલેટની ડિલિવરી પણ કરી છે, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે બાકીના ટેબલેટની ડિલિવરી કરી શક્યા ન હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવી રહી છે. અમે અખબારમાં જાહેર નોટીસ આપીને જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરના કારણે ટેબલેટની ડિલિવરી થઈ શકી નથી અને ટેબલેટની ડીલેવરી ટૂંક સમયમાં શરૂ કરીશું.
ટ્યુશન સંચાલકો સાથે થઇ દોઢ કરોડની છેતરપિંડી અસામાજિક તત્વો પોલીસ, મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે
કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ, મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્યુશન ક્લાસીસના સંચાલક નિકુંજ અને મિલન સોજીત્રા અમારી જાણ બહાર સપ્ટેમ્બર મહિનામાં ટેબલેટનું બુકિંગ ચાલુ કર્યું હતું અને લોકો પાસેથી અમારી જાણ બહાર પૈસા ઉઘરાવ્યા હતા. આ વસ્તુની જાણ અમને થતા એમને બોલાવ્યા હતા, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓના સારા માટે બુકિંગ કરાવી રહ્યા છે. આ બન્નેએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી પૈસા લીધા અને લાખો રૂપિયા ખર્ચ કરી દીધા.
આ પણ વાંચો-VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી
આ પણ વાંચો-સુરત વાલી મંડળ દ્વારા ગરીબ બાળકોને NAMO ટેબલેટ આપવાની માગ