ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના અઢી વર્ષના બાળકે 7 વ્યક્તિઓને આપ્યું જીવતદાન, હૃદય રશિયાના 4 વર્ષીય બાળકમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના 4 વર્ષીય બાળકમાં કરાયું - donate life surat

સુરતના પત્રકાર સંજીવ ઓઝાએ પોતાના અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્ર જશ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યુ છે. ચેન્નાઈની MGM હોસ્પીટલમાં સફળતાપૂર્વક રશિયાના 4 વર્ષીય બાળકમાં જશનું હૃદય અને યુક્રેનના 4 વર્ષીય બાળકમાં જશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

surat
surat

By

Published : Dec 16, 2020, 6:32 PM IST

Updated : Dec 19, 2020, 8:18 PM IST

  • મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે: સંજીવ ઓઝા
  • સુરત શહેર પોલીસ તંત્ર દ્વારા ગ્રીન કોરીડોર કરી દેવાયો
  • અમદાવાદની IKDRCમાં કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થયું

સુરત: ગત 9 ડિસેમ્બરના રોજ જશ સંજીવભાઇ ઓઝા પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયો હતો. જેથી તેના માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. ડૉકટરો દ્વારા તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની 30મી અને ફેફસાંના દાનની પાંચમી ઘટના છે. સુરતથી ચેન્નાઈનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને MGM હોસ્પીટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષીય બાળકમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં કરવામાં આવ્યું છે, જયારે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે. સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે.

અઢી વર્ષના બાળકે 7 વ્યક્તિઓને આપ્યું જીવતદાન
બાળકોને નવજીવન આપવા માટે હૃદય પર પથ્થર મૂકી પિતાએ લીધો નિર્ણયપોતાનો વ્હાલસોયો પુત્ર બ્રેઈનડેડ છે તે સાંભળીને પિતા સંજીવ, માતા અર્ચના તેમજ પરિવારના અન્ય સભ્યો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું. પિતા સંજીવ અને પરિવારે થોડી સ્વસ્થતા મેળવ્યા પછી નિલેશ માંડલેવાલાએ ઓઝા પરિવારને જણાવ્યું કે તમારો લાડકવાયો પુત્ર જશ બ્રેઈનડેડ છે ત્યારે તમારી પાસે બે વિકલ્પ છે, ડૉકટરોને જશની ટ્રીટમેન્ટ ધીમે ધીમે બંધ કરવાનું કહેવું અથવા તો તેના અંગોનું દાન કરાવી જે દર્દીઓના અંગોની જરૂર હોય તેમને નવજીવન આપવા તરફ આગળ વધવું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા, તેમણે હૃદય ઉપર પથ્થર મૂકી કહ્યું કે આજે મારો બાબુ (જશનું લાડકું નામ) ભલે નથી રહ્યો પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યારપછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી.
ગુજરાતમાં સૌપ્રથમવાર અઢી વર્ષના બાળકનું અંગદાન

માતા જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે

જશની માતાને આશા હતી કે હજુ પણ કંઇક ચમત્કાર થઇ શકે છે અને મારો પુત્ર ઉભો થઈને મમ્મી-મમ્મી બોલશે. તેથી તેમણે વધુ એક દિવસ રાહ જોવા જણાવ્યું. ત્યારે નિલેશ માંડલેવાલાએ તેમને સમજાવ્યું કે દર્દી બ્રેઈનડેડ જાહેર થયા બાદ ધીમે ધીમે તેના દરેક અંગો બગડતા જાય છે. એક દિવસ પછી કદાચ અમુક અંગોનું દાન ન પણ થઇ શકે. ત્યારે જશની માતા અર્ચનાએ જણાવ્યું કે તેઓ જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે. જશની માતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા બાળકના અંગદાનની મંજૂરી આપી.

ગુજરાતમાં સૌપ્રથમવાર અઢી વર્ષના બાળકનું અંગદાન
Last Updated : Dec 19, 2020, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details