- સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ડિજીટલ માધ્યમથી ભણાવવામાં આવે છે
- શિક્ષકો વર્ગખંડમાં પુસ્તક નહીં, પરંતુ લેપટોપ લઈને આપે છે બાળકોને શિક્ષિણ
- સરકારી શાળામાં CCTV, ડિજિટલ બોર્ડ, મલ્ટીમીડિયા રૂમનો સમાવેશ કરવામાં આવ્યો
સુરત : દેશમાં પ્રથમવાર સુરત શહેરમાં સરકારી શાળાઓમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી હાલ શાળાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ એવા છે કે, જે પ્રાઇવેટ શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સરકારી શાળાના શિક્ષકો માઇક્રોફોન અને સ્પીકરના માધ્યમથી ધોરણ 11 કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, એટલું જ નહીં શિક્ષકો વર્ગખંડમાં પુસ્તક નહીં, પરંતુ લેપટોપ લઈને ડિજિટલ માધ્યમથી બાળકોને શિક્ષિત કરી રહ્યા છે.
શાળાને જોઈને અચંબામાં મુકાઈ જશો
સુરતમાં હાલમાં જ દેશમાં પ્રથમવાર સરકારી શાળાઓમાં ધોરણ 11 કોમર્સ અને સાયન્સના વર્ગખંડોની શરૂઆત કરવામાં આવી છે. શાળાઓમાં 1500થી વધુ વિદ્યાર્થીઓએ એડમીશન મેળવ્યા છે. કોરોનાના કપરા કાળના કારણે પ્રાઇવેટ શાળાઓમાં નહીં ભણાવી શકનાર વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં એડમીશન અપાવ્યું છે, પરંતુ હાલ શાળાની પરિસ્થિતિ જોઈએ તેઓ પણ અચંબામાં મુકાઈ ગયા છે, કારણ કે સરકારી શાળામાં CCTV, ડિજિટલ બોર્ડ, મલ્ટીમીડિયા રૂમ સહિત હાઈટેક સાયન્સ લેબ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ડ્રાસ્ટીક ચેન્જ જોવા મળ્યો
M.A. B. Ed ની ડિગ્રી ધરાવતા શાળાની શિક્ષિકા સપનાએ જણાવ્યું હતું કે, પ્રાઇવેટ શાળામાં ભણાવીને આવી છું. અહીં સરકારી શાળામાં કેવી રીતે ભણાવવું તે મોટો પ્રશ્ન હતો, પરંતુ અહીં આવીને ડ્રાસ્ટીક ચેન્જ જોવા મળ્યો છે. આ સરકારી શાળા લાગતી જ નથી, આ એક પ્રાઇવેટ શાળા લાગે છે. ચારે બાજુથી વર્ગખંડમાં હવા ઉજાસ આવે છે. બાળકો પણ ડિજિટલ માધ્યમથી ભણે છે. અમે માઇક્રોફોન વાપરીએ છે. જેના સ્પીકરથી છેલ્લી બેંચ પર બેઠેલા વિદ્યાર્થીઓને પણ સારી રીતે વિષયની માહિતી મળે છે.