સુરતના ડિંડોલી-નવાગામ ઓવરબ્રિજ પર સીટી બસની અડફેટે ત્રણ લોકોના મોત થયા હતા. જે બાદ મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવાની માગ સાથે સબંધીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી ગયા હતા. દરમિયાન સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ પરિવાર દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું છે.
ડિંડોલી અકસ્માત: પાલિકાના અધિકારીઓની મધ્યસ્થી બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યા
સુરત: સીટી બસની અડફેટે મોતને ભેટેલા ત્રણ લોકોના પરિવાર દ્વારા આજે વહેલી સવારથી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ન્યાયની માગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરિવારે અલગ અલગ માગણીઓ સાથે ધરણા પ્રદર્શન કરી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે દરમિયાન સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ સમગ્ર મામલે સમાધાન થઈ જતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સીટી બસના કોન્ટ્રાક્ટરે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
મૃતદેહ
સીટી બસના કોન્ટ્રાકટરે મૃતકના પરિવારને 5 લાખનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી. જેથી, પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ, પરિવારે 8 લાખની માગ કરી હતી. જ્યારે, કોન્ટ્રાકટર દ્વારા 5 લાખની સહાય આપવાની બાંહેધરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સીટી બસ કોન્ટ્રાક્ટર અને મૃતકના પરિવાર વચ્ચે સમાધાન કરાવવા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મધ્યસ્થી બન્યા હતા. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, નીતિ નિયમો પ્રમાણે પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે.