સુરત: પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે મનપા સફાઈ કર્મચારી પર મોટર સાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના બાદ આરોપીઓ પોતાની મોટર સાયકલ અને ઘાતક હથિયાર મૂકી સ્થળ પરથી નાસી છૂટયા હતા.
પાંડેસરા સ્થિત 120 ફૂટ બમરોલી રોડ પર વહેલી સવારે સફાઈ કામકાજ કરી રહેલા પાલિકાના સફાઈ કર્મી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. ગવલેશ નંદકિશોર ભગત નામના સફાઈ કર્મી પાલિકા કચેરીમાં ફરજ બજાવે છે અને સોમવારે તે બમરોલી રોડ પર સફાઈ કરી રહ્યો હતો. જે વેળાએ મોટર સાયકલ પર આવી ચઢેલા 2 શખ્સોએ ઉપરાછાપરી છાતીના ભાગે ઘાતક હથિયાર વડે ઘા ઝીંકી ગંભીર ઇજા પોહચાડી હતી. પોતાને બચાવવા માટે લોકો પાસે ઇજાગ્રસ્ત યુવક મદદ માંગતો જોવા મળ્યો હતો, પરંતુ લોકો મદદ માટે આગળ આવવાને બદલે વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.
સુરત મનપાના સફાઈ કર્મચારી પર જીવલેણ હુમલો
- આરોપીની માતાએ ભોગ બનનારા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી
- અંગત અદાવતને કારણે કરાયો હુમલો
- ભોગ બનનારાને મળી હતી ઘમકી
- પોલીસ આવ્યા પહેલાં થયો હુમલો
- લોકોએ ભોગ બનનારાને બચાવવાના બદલે બનાવ્યો વીડિયો
ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી. જો કે, ગભરાયેલા શખ્સો પોતાની મોટર સાયકલ અને ઘાતક હથિયાર સ્થળ પર ફેંકી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સફાઈકર્મીને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.