- સુરતમાં બ્રેઈનડેડ મહિલાના અંગોનું કરાયું દાન
- સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી
- સુરતથી હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરતઃ શહેરમાં બ્રેઈનડેડ (Braindead) કામીનીબેન ભરતભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. 46 વર્ષીય કામીનીબેન ભરતભાઈ પટેલના પતિ ખેડૂત છે તેમજ તેમનો 22 વર્ષીય પુત્ર દર્શન અમેરિકામાં અર્લિંગટોનની ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ (યુ.ટી.એ)માં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. જ્યારે બીજો 19 વર્ષીય પુત્ર અનિકેત પટેલ આણંદમાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો આભ્યાસ કરે છે.
46 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું સારવાર માટે સુરતની શેલ્બી હોસ્પિટલમાં ખસેડ્યા
તારીખ 17 મે ના રોજ સવારે કામીનીબેન પથારીમાંથી ઉભા થતા સમયે તકલીફ થતા. તેના પરિવારે ડોક્ટરને બોલાવતા ડૉકટરે તપાસ કરી હતી. જેમાં તેમનું બ્લડ પ્રેસર ખુબ જ વધી ગયું હોવાનું જણાયું હતું. તેથી તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ (Sardar Memorial Hospital) માં દાખલ કરી સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. જેથી વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.દિવ્યાંગ શાહની દેખરેખ હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી.
સુરતમાં 46 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું આ પણ વાંચોઃ સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું
ન્યુરોફીજીશીયનએ કામીનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા
ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયાએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. જોકે, તારીખ 5 જુનના રોજ ન્યુરોફીજીશીયને કામીનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોકટરોની ટીમે ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કામીનીબેનના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી.
અંગોના દાન થકી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપાયા
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામીનીબેનના પતિ ભરતભાઈ, પુત્ર અનિકેત, ભાઈ સંજયભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. કામીનીબેનના પતિ ભરતભાઈ કે જેઓ અમેરિકાના ટાઈની સ્માઈલીંગ ફેસીસ ગ્રુપ તથા જુદી-જુદી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેઓએ કોવીડ 19ના મહામારીના સમય દરમિયાન બારડોલી પંથકમાં આઈસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જમવાની સુવિધા, દવાઓ તેમજ મેડીકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થા ખુબ જ સુંદર રીતે કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, જેથી તેમના અંગોના દાન થકી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી તેઓના તથા તેમના પરિવારના મોઢા ઉપર ખુશાલી લાવવી છે.
આ પણ વાંચોઃ 19 વર્ષીય 'બ્રેઈનડેડ' યુવાને ચાર વ્યક્તિઓને આપ્યું નવજીવન
ફેફસાં ખરાબ થયા હોય તેઓને નવું જીવન મળી શકે
તેમના પુત્ર અનિકેતે જણાવ્યું કે, હાલમાં કોવીડના સમયમાં ઘણા બધા વ્યક્તિઓના ફેફસાં ખરાબ થઇ ગયા છે ત્યારે મારી માતાના ફેફસાનું દાન જરૂર કરશું જેથી કોવિડની મહામારીના સમય દરમિયાન જેમના ફેફસાં ખરાબ થયા હોય તેઓને નવું જીવન મળી શકે.
300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને કરાયું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ
સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 45 વર્ષીય મહિલામાં સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. સુરતથી હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જલગાંવ મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં કીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.
જયારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું.